ભુજ માધાપર હાઇવે પરથી પિસ્તોલ સાથે શખ્સ પકડાયો

1,088

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપએ ભુજ માધાપર હાઇવે પર આવેલ ગ્રાન્ડ થ્રીડી હોટેલ પાસે પ્લાસ્ટિકની કોથળીમાં પિસ્તોલ વીંટાળીને ઉભેલાં શંકાસ્પદ ભુજના એક યુવકની પૂછપરછ કરતાં એની પાસેથી એક પિસ્તોલ, બે જીવતા કાર્તિસ  સાથે ઝડપાયો છે. ઝડપાયેલો વ્યક્તિ ભંગારનો ધંધો કરે છે ,  32 વર્ષિય આ આરોપીનું નામ નાગાજણ પનુભાઈ સોલંકી (દેવીપૂજક) છે, તે ભુજના દિનદયાલનગર, ગણેશ કાંટાની સામે રહે છે. તેની પાસેથી પોલીસે 6 એમએમ મેગેઝીનવાળી હાથ બનાવટની પિસ્તોલ અને બે નંગ જીવંત કાર્ટ્રીઝ જપ્ત કર્યાં છે.

આરોપી કોઈકને પિસ્તોલની ડિલિવરી આપવા ઉભો હોવાની બાતમીના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું છે કે તે ભંગાર વેચવાનું  કામ કરે છે. આ પિસ્તોલ તેને ભંગારમાંથી મળી હતી. જો કે, તેનો આ ખુલાસો માની શકાય તેમ નથી . આરોપી અગાઉ એકવાર  પીધેલી હાલતમાં ઝડપાયો હતો. પોલીસે પિસ્તોલની કિંમત અઢી હજાર અને કાર્ટ્રીઝની કિંમત એકસો રૂપિયા આંકી આરોપી અને મુદ્દામાલ ભુજ બી ડિવિઝન પોલીસને સુપ્રત કરી દીધા છે. બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને રીમાન્ડ પર લઈ સઘન પૂછપરછ કરવામાં આવશે.

Get real time updates directly on you device, subscribe now.