કચ્છના કુકમા ખાતે ઈઝરાયલના ટેકનિકલ સહયોગથી નિર્મિત ઉત્કૃષ્ઠતા કેન્દ્રનું લોકાર્પણ

492

ભુજ,બુધવારઃકચ્‍છના કુકમાના લોકો મારી સામે છે, તેમ કહી પોતાના સંબોધનની શરૂઆત કરતા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઇઝરાયેલે કૃષિ ક્ષેત્રે મોટી ક્રાંતિ કરી છે ત્‍યારે મરૂભૂમિ ધરાવતા કચ્‍છ ગુજરાત અને ઈઝરાયેલ વચ્‍ચે ઘણી સામ્‍યતા  છે. રણ વિસ્‍તાર અને પાણીના અભાવ સાથે ઓછી જમીન ધરાવતાં ઈઝરાયલે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રયોગ કરીને આધુનિકતા સાથે આગળ વધ્‍યું છે, તેવી જ રીતે ટેકનોલોજીના સથવારે દેશના કિસાનોની આવક બમણી કરવા માંગીએ છીએ તેમ આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સાંબરકાંઠા જિલ્‍લાના વદરાડના સેન્‍ટર ઓફ વેજીટેબલ ખાતેથી કચ્‍છના કુકમા મધ્‍યે ઇઝરાયેલના ટેકનિકલ સહયોગથી નિર્મિત ઉત્‍કૃષ્‍ઠતા કેન્‍દ્રનું ડીજીટલી લોકાર્પણ કરતાં જણાવ્‍યું હતું. બુંદ-બુંદ પાણીથી ઇઝરાયલે કૃષિ અને બાગાયત ક્ષેત્રે જે ઉત્‍કૃષ્‍ઠ ઉત્‍પાદન કરી બતાવ્‍યું તે રીતે ગુજરાતમાં કવોલીટી પ્રોડકટ કરીને, ઓર્ગેનિક ફાર્મિંગથી કૃષિ ક્ષેત્રેના ક્રાંતિના જે સપના લઇને ચાલીએ છીએ તે પૂરાં થશે, તેવો તેમણે કૃષિકારોનેવિશ્‍વાસ અપાવ્‍યો હતો. ઈઝરાયેલના વડાપ્રધાન શ્રી બેન્‍ઝામીન નેતન્‍યાહુએ પણ મસાવની સ્‍થાપના સાથે ભારતમાં ૩૦ જેટલાં ઉત્‍કૃષ્‍ઠતા કેન્‍દ્ર સ્‍થાપતિ કર્યાનું જણાવ્‍યું હતું. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીથી પોતે પ્રભાવિત છે, તેમ જણાવી ભારત-ઈઝરાયલ સાથે કામ કરશે તેવી ઇચ્‍છા પણ જાહેરકરી હતી. આ અગાઉ આજે કુકમા ખાતેના ઉત્‍કૃષ્‍ઠતા સેન્‍ટર ખાતે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા કૃષિકારો-બાગાયતકારોને સંબોધતાં રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે ગુજરાત અને ભારત સરકાર તેમજ સલગ્‍ન કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કચ્‍છને નવું નજરાણું મળતાં કચ્‍છ માટે સોનાના સુરજ સમાન કહું તો કાંઇ ખોટુ નથી તેમ જણાવી ૨૦૦૧ના ભૂકંપની કાલીમાં બાદ કચ્‍છે કૃષિ અને બાગાયત ક્ષેત્રે સાધેલી પ્રગતિ અને ગુજરાત સરકારની કૃષિ-પશુપાલનની વિવિધ યોજનાઓ થકી ગુજરાતની ખેતીમાં આમૂલ પરિવર્તન મળ્યા હોવાનું જણાવી કચ્‍છમાં ભારત-ઈઝરાયેલના સહયોગથી ઊભી કરાયેલ સુંદર સુવિધાનો લાભ લેવા તેમણે આહવાન કર્યું હતું.

કચ્‍છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે કરેલા ઉદ્દબોધનમાં કચ્‍છમાં ખારેકનાં ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્રના લોકાર્પણથી કચ્‍છનો ખેડૂત બાગાયત અને સજીવ ખેતી ક્ષેત્રે પોતાની તાકાત બતાવી ચૂકયું હોવાનું જણાવી કચ્‍છના ખેડૂતોને કેન્‍દ્રના અધિકારીઓ ખેતર સુધી જઇ માર્ગદર્શન આપશે. કચ્‍છની કેસર કેરી જેમ કચ્‍છની ખારેક પણ વિશ્‍વના નકશા ઉપર મુકાશે તેવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો હતો. ભુજના ધારાસભ્‍ય ડો.નીમાબેન આચાર્યે  ભારતના વિઝનરી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો કચ્‍છ પ્રત્‍યેનો વિશેષ પ્રેમ અને લાગણી છે,તેમ જણાવી સેન્‍ટરનો પૂરેપૂરો ઉપયોગ કરવા ખેડૂતોને અપીલ કરી વૈજ્ઞાનિક ખેતીનો લાભ લેવા જણાવ્‍યું હતું. આ પ્રસંગે કૃષિકારોને અત્‍યંત ઉપયોગી આધુનિક કૃષિ માર્ગદર્શન પેમ્‍પલેટ પુસ્‍તિકાનું મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરાયું હતું. પ્રારંભમાં રાજકોટ સંયુકત ખેતી નિયામકશ્રી બી.યુ.પરમારે શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યુ હતું. આભારવિધિ નાયબ બાગાયત નિયામક ડો.ફાલ્‍ગુન મોઢે આટોપી હતી આ પ્રસંગે લોક સાહિત્‍યકાર વિશ્‍વનાથ જોશી એન્‍ડ પાર્ટીએ અવિરત લોક સાહિત્‍યની રમઝટ બોલાવી ખેડૂત ભાઇ-બહેનો, શ્રોતાઓને જકડી રાખ્‍યા હતા. આ પ્રસંગે ગાંધીધામ ધારાસભ્‍ય માલતીબેન મહેશ્‍વરી, માંડવી ધારાસભ્‍ય વિરેન્‍દ્રસિંહ જાડેજા, જિલ્‍લા પંચાયત પ્રમુખ કૌશલ્‍યાબેન માધાપરિયા, જિલ્‍લા ભાજપા પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ, જિલ્‍લા ભાજપા મહામંત્રીશ્રી અનિરુધ્‍ધ દવે, સરહદ ડેરી ચેરમેન વલમજી હુંબલ, માજી ધારાસભ્‍ય છબીલદાસ પટેલ, કચ્‍છ કલેકટર સુશ્રી રેમ્‍યા મોહન, ડીડીઓશ્રી સી.જે.પટેલ, પશ્‍ચિમ કચ્‍છ પોલીસ વડાશ્રી ભરારા, અગ્રણી ખેડૂત બટુકસિંક જાડેજા, દેવજીભાઇ પટેલ, કાવેરીબેન પટેલ, ચેતનાબેન રામાણી, સરૂબેન, માનાણી, વિક્રમસિંહ જાડેજા, હરેશભાઇ ઠકકર, વાડીભાઇ પોકાર, વેલજીભાઇ ભુડીયા, કુકમા સરપંચ કંકુબેન વણકર, લખુભાઇ રાઘવાણી, કેશુભાઇ પારસીયા, શાંતિલાલ પટેલ, ખેતીવાડીના શિહોરા, નાયબ પોલીસ વડા જેસ્‍વાલ, ડીઆઇસીના અખિલેશ અંતાણી, પશુપાલનના ડો.બ્રહમક્ષત્રિય, ભુજ પ્રાંત રવિન્‍દ્રસિંહ જાડેજા, આત્‍માના ડો.સ્‍વર્ણકાર, કિશાન મોર્ચાના મહેન્‍દ્રભાઇ ગઢવી, જે.ડી.હાલાઇ, વીઆરટીઆઇના માવજીભાઇ બારૈયા, રવાભાઇ આહિર, અરજણભાઇ પીંડોરીયા, સ્‍વામી નારાણ સંતગણ તથા મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્‍થિત રહયા હતા.

Get real time updates directly on you device, subscribe now.