કચ્છ ભાજપમાં ભયંકર બળવાના સંકેત : અંજારમાં હાકોટા, ભુજમાં બહિષ્કાર અને અબડાસામાં ઢીચકીયાંઉ…

1,603

ભુજ : વિધાનસભા ચુંટણી પૂર્ણ થતાં જ સતાપક્ષ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચવા પામ્યો છે. ચુંટણી સમયે ભાજપના ઉમેદવારોને હરાવવા નિકળેલા અસંતુષ્ટો સામે પક્ષે કોઈ કાર્યવાહી ન કરતાં અંતે હારેલા અને વિજેતા ધારાસભ્યોએ પોત પોતાની રીતે હાકોટા- પડકારા કરવાનું શરૂ કરતાં જીલ્લામાં ચુંટણી બાદ પણ રાજકીય આલમમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. ચુંટણી પત્યા બાદ તરત જ રાજયમંત્રીના પદે બિરાજમાન અંજારના ધારાસભ્ય વાસણ આહિરે એક જાહેર કાર્યક્રમમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને હિન્દુત્વના નામે ચરી ખાનારાઓને ખુલ્લી ચેતવણી આપીને ખળભળાટ સર્જ્યો હતો.

આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી તેવામાં ભુજ વિસ્તારમાં બન્ની પશુમેળાના ઉદઘાટન વખતે ધારાસભ્ય નીમાબેન આચાર્યની આજુબાજુ ગોઠવાઈ ગયેલા અને ચુંટણી સમયે ભૂગર્ભમાં રહેલા નેતાઓ અંગે જૂથવાદ વકર્યો હતો. જીલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાએ ચાલુ કાર્યક્રમે ચાલતી પકડીને નારાજગી છતી કરી હતી. તો ત્રીજી ઘટના આજે જ સામે આવી છે. જે અબડાસામાં ચુંટણી હારેલા છબીલદાસ પટેલે એક વિડીયો વાયરલ કરીને વિરોધીઓને ‘ઢીચકીયાંઉ…ઢીચકીયાંઉ…’ શબ્દો સંભળાવતા ભાજપમાં રહેલા, પંરતુ છબીલદાસ પટેલના વિરોધી ભાજપના કાર્યકરોએ સાચુકલી પિસ્તોલ બતાવીને હાકોટા પાડતાં સતાપક્ષમાં સોપો પડી ગયો છે. જીલ્લા અને રાજ્યના સંગઠન પદાધિકારીઓ આ ખુલ્લા રોષને કેવી રીતે ઠારશે તે અંગે ભાજપમાં નિતનવી ચર્ચાઓ છેડાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.