કચ્છમાં મત ગણતરીની તૈયારી કરવા ચુંટણી તંત્રની બેઠક : કાઉન્ટીંગ સેન્ટરમાં મોબાઇલ ફોન પર નિયંત્રણ

586

ભુજ,મંગળવાર : આગામી ૧૮મી ડિસેમ્‍બરે સવારે પાંચ વાગ્‍યાથી ભુજની સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મતગણતરી માટેનો ધમધમાટ જોવા મળશે. મતગણતરીનું કાર્યની તૈયારીરૂપે આજે  જિલ્‍લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓનું આગોત્તરૂં આયોજન ઘડી કાઢવા સાથે વિનાવિગ્‍ને સુચારૂઢબે લોકશાહી પર્વની કાઉન્‍ટીંગરૂપી અગ્‍નિપરીક્ષા પાર પાડવા અધિકારીઓને નિર્દેશો અપાયાં હતા. આજે ભુજ ખાતે જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહનના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ બેઠકમાં મત ગણતરી માટે ટેબલ પરનો સ્‍ટાફ સવારે પાંચ વાગ્‍યે સરકારી એન્‍જિનિયરીંગ કોલેજ, ભુજ ખાતે હાજર થઇ જાય તે સાથે અબડાસા, રાપર જેવા દૂરના સ્‍ટાફને ૧૭મી ડીસે. રાત્રે જ ભુજ આવી જવા સાથે કાઉન્‍ટીંગ સેન્‍ટરમાં ૮ ફૂટની બેરીકેટીંગ વ્‍યવસ્‍થા, કાઉન્‍ટીંગ સેન્‍ટરની ૧૦૦ મીટરમાં માર્કીંગ, ત્રિસ્‍તરીય સુરક્ષા વ્‍યવસ્‍થા, રેન્‍ડમાઇઝેશન પ્રક્રિયા સહિતના તમામ પાસાંઓની છણાવટ કરી  લાઇવ વેબ કાસ્‍ટીંગ, મીડિયા રૂમની સુવિધા સંપન્‍ન કરવા, ઇમરજન્‍સી સિવાયનું ખોદકામ ટાળવા નગરપાલિકા સહિતના તંત્રોને તાકીદ કરાઇ હતી.

જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહને કાઉન્‍ટીંગ સેન્‍ટરમાં મોબાઇલ ફોનના ઉપયોગ સંદર્ભે કડક નિયંત્રણના નિર્દેશો આપતાં જણાવ્‍યું હતું કે, મીડિયા રૂમ સિવાય કયાંય પણ મોબાઇલનો ઉપયોગ ન થાય તેવી સજ્જડ વ્‍યવસ્‍થા ગોઠવવા તેમજ મતગણતરી હોલમાં ટ્રાયપોડ ન લાવવા, છ વિધાનસભાની મતગણતરી હોલમાં મોબાઇલ ફોનના ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાની વ્‍યવસ્‍થા સાથે માત્ર ઓબ્‍ઝર્વર સિવાય કોઇને પણ મોબાઇલનો ઉપયોગ ન કરવા તેમજ ઉમેદવારના એજન્‍ટ કોમ્‍યુનિકેશન રૂમના ઉપયોગ કરી શકશે તેવી ખાસ નોંધ લેવા સાથે આગામી દિવસમાં આ અંગે એક પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજન ઘડવાનો નિર્દેશ પણ આપ્‍યો હતો. તમામ અધિકારીઓને તેમના સ્‍ટાફને ઓળખપત્રો સાથે હાજર રાખવા, પાર્કિગ વ્‍યવસ્‍થાનું ચુસ્‍તપણે પાલન કરાવવા, પ્રતિબંધિત ચીજવસ્‍તુઓ મત ગણતરી કેન્‍દ્રમાં કોઇ ન લાવે તેવી સઘન વ્‍યવસ્‍થા ગોઠવવા, સીસીટીવી કેમેરા લગાડવા, મતગણતરી કેન્‍દ્ર ખાતે ગેરવ્‍યવસ્‍થા કે ગંદકી ન થાય તે જોવા, ઓનલાઇન ડેટા એન્‍ટ્રી અને દરેક કાઉન્‍ટીંગ રૂમમાં મત ગણતરીના આંકડા લખવા વ્‍હાઇટ બોર્ડ મૂકવા, મતગણતરી કેન્‍દ્ર ખાતે મેડીકલ અને પેરા મેડીકલ સ્‍ટાફ અને એમ્‍બ્‍યુલન્‍સ વ્‍યવસ્‍થા ગોઠવવા સહિતની વિગતે જવાબદારીઓ ફાળવાઇ હતી.

Get real time updates directly on you device, subscribe now.