રામલીલાની જેમ પદ્માવતિ મુદે પણ કચ્છના રાજપૂતોમાં રોષ : રિલીઝ પર સૌની નજર

415

ભુજ : વર્ષ 2013માં રિલીઝ થયેલી સંજયલીલા ભણસાલીની ફિલ્મ રામલીલામાં કચ્છના ક્ષત્રિય રાજપૂત જાડેજા કોમની લાગણી દુભાય તેવા પાત્રોની પસંદગી કરવામાં આવતા રાજસ્થાન, ગુજરાત સહિત કચ્છના રાજપૂતોએ આક્રમક વલણ અપનાવી ફિલ્મના ડાયરેક્ટરને પડકારતાં છેવટે સંજયલીલાએ નમતું જોખવું પડયું હતું અને રામલીલા માંથી વિવાદાસ્પદ શબ્દો અને ઉચ્ચારણો દુર કરવામાં આવ્યા હતા. રામલીલા મુદે સંજયલીલાને ભીંસમાં મૂકીને પીછેહઠ માટે મજબૂર કરવા પાછળ કચ્છના ક્ષત્રિય રાજપૂત યુવાનોની ભૂમિકા મહત્વની રહી હતી.

ચાર વર્ષ પછી ફરી સંજયલીલા ભણસાલીએ પદ્માવતી ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોને કાલ્પનિક રીતે રજૂ કરીને રાજપૂતોનો રોષ ફરી વહોરી લીધો છે. રાજસ્થાનમાં આ ફિલ્મનો આક્રમક વિરોધ કરનાર કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાલવી કચ્છની મુલાકાત લઈ ગયા છે. કચ્છમાં કરણી સેનાનું સંગઠન માળખું પણ તૈયાર કરી દેવાયુ છે. બીજી તરફ કોંગ્રેસ છોડીને જન વિકલ્પ મોરચો રચનાર પીઠ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ પદ્માવતીની રિલીઝ અંગે ચોખ્ખા શબ્દોમાં ચેતાવણી ઉચ્ચારી છે. અત્રે નોંધનીય છે કે સંજયલીલા ભણસાલી મૂળ કચ્છના છે. રામલીલાની વિવાદાસ્પદ કહાની પણ તેમણે કચ્છના બેકગ્રાઉન્ડમાં તૈયાર કરી હતી. જે અંગે તેમને જાહેર માફી માંગવી પડી હતી. ત્યારે કચ્છમાં કરણી સેનાનું સંગઠન અને રાજયમાં ચુટણીને લઈને ગરમાવો વગેરે બાબતોને જોતા આગામી 1 ડિસેમ્બર પર સૌની નજર મંડાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.