માધાપર નવાવાસ ગ્રા.પં.ના સરપંચ બિનહરીફ : ભાજપના નેતાઓ ફાંફા મારતા રહ્યા : અરજણ ભુડીયાનો “હાથ ” ઉપર

3,677

માધાપર : ભુજ તાલુકાની પ્રતિષ્ઠિત મનાતી અને ભુજ વિધાનસભા બેઠક પાર ભારે અસર ઉભી કરતી માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત સરપંચ પદના ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ સામાપક્ષે તેમના વિરુદ્ધ કોઈ મેદાનમાં ન ઉતરતા અંતે કોંગ્રેસ તરફી સરપંચ પદના ઉમેદવાર પ્રેમિલાબેન અરજણ ભુડીયા બિનહરીફ થયા હતા, આજે નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારોએ ભુજ તાલુકા પંચાયત મધ્યે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. 9 મીએ ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા બાદ માધાપરના કોંગ્રેસી અગ્રણી અને પૂર્વ સરપંચ અરજણ ભુડીયાના ધર્મ પત્ની પ્રેમિલાબેન ભુડીયા એ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ તરફી ઉમેદવાર સામે ભાજપનું ગઢ ગણાતા નવાવાસમાં ભાજપ પ્રેરિત પેનલ પણ ઉતારશે તેવી શક્યતા હતી પરંતુ ભાજપના માધાપરના નેતાઓ ઉમેદવારો શોધવામાં છેલ્લે સુધી ફાંફા મારતા રહ્યા હતા. વ્યાપક પ્રયાસો બાદ પણ ભાજપ પ્રેરિત ઉમેદવાર નવાવાસમાં ન મળતા પ્રેમિલાબેન અરજણ ભુડીયા બિનહરીફ સરપંચ બન્યા છે. હવે આગામી વિધાનસભા ચૂંટણી માટે પાટીદાર સમાજમાં પૂર્વ સરપંચ અરજણ ભુડીયાનો “હાથ” ઉપર રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

નવાવાસન પૂર્વ સરપંચ અરજણ ભુડીયા ભુજ વિધાનસભા માટે કોંગ્રેસમાંથી પોતાનો દાવો રજુ કરી ચુક્યા છે ત્યારે નવાવાસની ચૂંટણી માટે ભાજપ સમર્પિત ઉમેદવાર પણ ન મળવો આગામી સમયમાં ભાજપ માટે નુકશાન કારક સંકેત માનવામાં આવી રહ્યો છે. મોટા ભાગે પાટીદાર સમાજની વસ્તી ધરાવતા નવાવાસ ગામમાંથી કૌશલ્યાબેન માધાપરિયા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ ને હાલમાં અધ્યક્ષ પદે કાર્યરત છે. પરંતુ લાંબા સમયથી નવાવાસમાં સરપંચ પદે રહેલા કોંગ્રેસી આગેવાન રહેલા અરજણ ભુડીયા સામે મેદાનમાં ઉતરીને હારના સામનાથી બચવા ભાજપે પોતાના તરફી ઉમેદવાર જ ન ઉતારવાની રણનીતિ અપનાવાઈ હોવાનું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.