કચ્છ ભાજપના એક જૂથે સીએમ યોગી આદિત્યનાથથી દુરી બનાવી ?

870

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારને ઝંઝાવાતી બનાવવા ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને સ્ટાર પ્રચારક તરીકે રજુ કરી મેદાને ઉતારવાનો પ્લાન કર્યો છે ત્યારે સીએમ યોગી આદિત્યનાથ સહિત કેન્દ્રીય નેતાઓને આવકારતા ગુજરાત ગૌરવ યાત્રાના પોસ્ટરોમાં ભિન્નતા દેખાતા તર્ક – વિતર્ક સર્જાયા છે. કચ્છ ભાજપના નેતાઓ ના ફોટા સાથે ભુજ સહિતના વિસ્તારોમાં લાગેલા પોસ્ટરોમાં ખાસ તફાવત નથી પરંતુ કેટલાક નેતાઓના પોસ્ટરોમાંથી યોગી આદિત્યનાથ ની બાદબાકીએ રાજકીય ચર્ચા જગાવી છે.
કચ્છના આર. એસ.એસ. તેમજ વિશ્વહિન્દુ પરિષદના કાર્યકરો સીએમ યોગી આદિત્યનાથને ચૂંટણી પ્રચાર માટે કચ્છમાં બોલાવવાના સમર્થનમાં લાંબા સમયથી હતા પરંતુ ઉત્તર પ્રદેશમાં થયેલા સહારનપુર કાંડ અને ગોરખપુર બાળકાંડ ના લીધે યોગી સરકાર પાર રાષ્ટ્રીય કક્ષાએ પસ્તાળ પડી રહી હતી. આ બંને પ્રકરણ ઠંડા પડ્યા બાદ સીએમ યોગીને કચ્છમાં આવકારવા ભાજપના કાર્યકરોમાં થનગનાટ જરૂર છે, પરંતુ કચ્છ ભાજપના કેટલાક નેતાઓના પોસ્ટરમાંથી સીએમ યોગીની બાદબાકી થતા નવી રાજકીય ચર્ચાએ જન્મ લીધો છે.
કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા ના ફોટા વાળા પોસ્ટરમાં સીએમ યોગી આદિત્યનાથને સ્થાન નથી અપાયું. ભુજ વિધાનસભા બેઠક પાર પટેલ સમાજના મતોની અસર રહે છે ત્યારે સામાજિક સમીકરણોને ધ્યાને લઇને હિન્દુત્વના ફાયર બ્રાન્ડ નેતાને નજર અંદાઝ કરાયા હોઈ શકે તેવો મત વ્યક્ત કરાઈ રહ્યો છે.અન્ય એક પોસ્ટર જોઈએ તો ભુજ નગરપતિ અશોક હાથીએ પણ પોતાના ફોટા વાળા પોસ્ટરમાં સીએમ યોગી આદિત્યનાથની બાદબાકી કરી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કચ્છમાં દલિત સમાજની વસ્તી અને છેલ્લે સહારનપુર કાંડને લઈને સોશ્યલ મીડિયા પર ફરી વળેલી યોગી વિરોધી લહેર છેક કચ્છ સુધી પહોંચી હતી. દલિત સમાજના મત તૂટવાના ભયે કદાચ નગરપતિ અશોક હાથીએ યોગી આદિત્યનાથના ફોટાથી દુરી બનાવી હોવાનું રાજકીય વર્તુળો માં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ભુજ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ હિતેશ ખંડોર સહિતના કેટલાક નેતાઓના ફોટાવાળા પોસ્ટરોમાં સીએમ યોગી આદિત્યનાથનો ચહેરો સમાવાયો છે. આમ ક્યાંક સીએમ યોગી આદિત્યનાથની બાદબાકી અને ક્યાંક સમાવેશ જોતા આ મુદ્દે કચ્છ ભાજપમાં બે ફાંટા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે તેવું રાજકીય વર્તુળોનું માનવું છે.

Get real time updates directly on you device, subscribe now.