કચ્છના MP અને એક MLA દલિત હોવા છતા સમાજ ન્યાય માટે રોડ પર : આરોપી યોગેશ બોક્ષાની ધરપકડ ન થાય તો જીજ્ઞેશ મેવાણી કચ્છ આવશે : RDAM

1,410

ભુજ : એક મહિના અગાઉ ભુજમાં ભીમ રત્ન કન્યા હોસ્ટેલના લોકાર્પણમાં સાહિત્યકાર અને ભાજપ કાર્યકર યોગેશ બોક્ષા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓ દ્વારા દલિત સમાજ વિશે ગેર બંધારણીય શબ્દ પ્રયોગ કરતા વિવાદ સર્જાયો હતો. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આ મુદે યોગેશ બોક્ષા પર એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ દાખલ થયાને એક મહિનો થવા આવ્યો છતાં પોલીસ દ્વારા આરોપી યોગેશ બોક્ષાની ધરપકડ કરવામાં આવી નથી. જેના વિરોધમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છની આગેવાનીમાં એસ.પી. કચેરી સમક્ષ ધરણા શરૂ કરવામાં આવ્યા છે.મંચ દ્વારા માંગ કરવામાં આવી છે કે દલિત સમાજને અપમાનીત કરનાર યોગેશ બોક્ષાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આજે ધરણાનો ત્રીજો દિવસ હોવા છતા તંત્રના પેટનું પાણીય હાલ્યું નથી.

પોલીસની ઢીલી નિતી 

આ સમગ્ર પ્રકરણમાં સૌપ્રથમ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં પણ આનાકાની કરી રહી હતી. તે સમયે દલિત અધિકાર મંચ દ્વારા લડત ચલાવતા આ ફરિયાદ નોંધી હતી. હવે એક મહિનાનો સમય થયો છતાં પોલીસ ઢીલી નિતી રાખી તેની ધરપકડ કરી રહી નથી. ખાસ કરી આ પ્રકરણમાં SC ST સેલના ડી. વાય. એસપી આશિષ પંડ્યા આરોપીને છાવરી રહ્યા છે. જાણી જોઈ ને આરોપીને ધરપકડમાં ઢીલ આપી છે. જેથી આરોપીને ધરપકડ પર સ્ટે લેવા માટે સમય મળે અને ધરપકડથી બચી જાય તેવા ગંભીર આક્ષેપ મંચ દ્વારા થઈ રહ્યા છે.

રાજકીય પીઠબળ

તેમજ આરોપી યોગેશ બોક્ષા પોતે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ સેલના ઉપાધ્યક્ષ હોવાથી તેમને રાજકીય પીઠબળ પણ મળી રહ્યું છે. તેમની ધરપકડ ન થવા પાછળ ક્યાંકને ક્યાંક સત્તાપક્ષના નેતાઓ આરોપીને ધરપકડથી બચાવવા સત્તાના જોરે કોશીસ કરી રહ્યા છે. જેના કારણે તેની ધરપકડ હજી સુધી ન થઈ હોવાના આક્ષેપ મંચ દ્વારા કરાઇ રહ્યો છે.

અનુ. જાતિના ધારાસભ્ય સાંસદ છતા સમાજ ન્યાય માટે રોડ પર

વધુમાં આ મુદે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી નરેશ મહેશ્વરીએ જણાવ્યું છે કે કચ્છમાં સાંસદ દલિત સમાજના છે, એક ધારાસભ્ય દલિત સમાજના છે. સરકારમાં દલિત સમાજના પ્રતિનિધિઓ હોવા છતાં દલિત સમાજને અપમાનીત કરનાર આરોપીની ધરપકડ માટે ખૂદ સમાજને ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડે તે સમગ્ર સમાજ માટે દૂખદ બાબત છે. સમાજના આ પ્રતિનિધિઓ ખૂદ પોતાની સ્ટેજ પર હાજરી હોવા છતાં પોતાના પક્ષના નેતાઓ આવા બેફામ નિવેદન સમાજ વિશે કરે છે છતાં સમાજના કહેવાતા આ પ્રતિનિધિઓ મૌન છે, જે અતિ દૂખદ બાબત છે.

તો જીજ્ઞેશ મેવાણી કચ્છ આવશે

નરેશ મહેશ્વરીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવાની અમારી માંગ છે. જો ધરપકડ નહિ કરાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. આ ધરણામાં સમગ્ર કચ્છ માથી દલિત સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ જોડાઇ રહ્યા છે. તેઓએ જણાવ્યું કે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સાથે તેઓની વાત થઈ છે, આ આંદોલન વેગ પકડશે તો આવનારા દિવસોમાં જીજ્ઞેશ મેવાણી પણ આ લડતના સમર્થનમાં કચ્છમાં આવે તેવી પુરેપુરી શક્યતા છે.

Get real time updates directly on you device, subscribe now.