BKT કંપનીની જન સુનવણી સ્થગિત કરવા માંગ : સુનવણીમાં કોવિડ ગાઇડ લાઇન નહિ જળવાય

597

ભુજ : પધ્ધર ગામે આવેલ બાલ ક્રિષ્ના ટાયર ઇન્ડસ્ટ્રીઝ (BKT) કંપનીની 27 ઓક્ટોબરે થનાર જન સુનવણી રદ કરવા, પધ્ધર તાલુકા પંચાયત સદસ્ય શાંતિબેન રાજેશ આહિર દ્વારા કલેક્ટર કચ્છ સમક્ષ પત્ર લખી માંગ કરાઈ છે.

પત્રમાં જણાવ્યું છે કે 27 ઓક્ટોબરના કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ સુનવણી યોજાનાર છે. આ જન સુનવણીમાં પધ્ધર ગામની આસપાસના 23 જેટલા ગામોના લોકો મોટી સંખ્યામાં આવે તેવી શક્યતા છે. અગાઉ પણ આ કંપનીની સુનવણીમાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. હાલ કોવિડ ગાઇડ લાઇનના કારણે ફક્ત 400 વ્યક્તિઓ જ એક જગ્યાએ, નિયમોના પાલન સાથે ભેગા થઈ શકે છે. કલેક્ટરના આ જાહેરનમાના કારણે હાલ આ જન સુનવણી યોજાઇ શકે તેવી પરિસ્થિતિ નથી, કારણ કે જેમના અધ્યક્ષ સ્થાને સુનવણી યોજાનાર છે તે કલેકટરનું જ 400 જણા હાજર રહી શકે તેવું જાહેરનામું છે. આ પરિસ્થિતિમાં હજારો વ્યક્તિઓની ઉપસ્થિતીમાં કેમ કલેક્ટર સુનવણી યોજી શકે ?

વધુમાં આવી જ સુનવણી હિન્દુસ્તાન ઝીંક કંપનીની તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વેદાંતા ગામે યોજાઇ, ત્યારે સંખ્યા કરતા વધુ લોકો એકત્રીત થતા કલેક્ટરે સુનવણી રદ કરી હતી. માટે આ જન સુનવણી પણ કલેક્ટરે અગાઉ થી રદ કરવી જોઈએ તેવી માંગ કરાઈ છે. ઉપરાંત મતાના મઢ જતા પદયાત્રી કેમ્પ આ વિસ્તારમાં કોવિડ ગાઇડ લાઇનનો હવાલો આપી બંધ કરાવાયા હતા, તો આ જન સુનવણી કેવી રીતે યોજાય તેવી ચર્ચા પણ સ્થાનિકોમાં થઈ રહી છે.

Get real time updates directly on you device, subscribe now.