ભુજમાં AIMIMના હોર્ડિંગ સાથે ચેડા : જિલ્લા પ્રમુખની આકરી પ્રતિક્રિયા બાદ પોલીસ બેડામાં દોડધામ

3,253

ભુજ : ભુજ: તાજેતરમાં ઈદુલ અઝહા નિમિત્તે ઓલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન-કચ્છ દ્વારા ઈદ મુબારકના હોર્ડિંગ્સ ભુજમાં વિવિધ જગ્યાએ લાગેલા હતા, આ હોર્ડિંગ પર શાહી ઢોળીને ચેડા કરાયા હોવાનું જાણવા મળતાં પાર્ટીના કચ્છ જિલ્લા પ્રમુખ સકિલ સમાએ પોલીસ ફરીયાદ કરવાની સાથે સોશ્યલ મીડિયા માધ્યમથી આકરી ભાષામાં આ કૃત્ય કરનાર તત્વોને ચેતવણી આપતાં સમગ્ર મામલામાં પોલીસ પણ ગંભીર બનીને તપાસમાં જોતરાઈ છે અને હોર્ડિંગ સાથે ચેડા કરનાર તત્વોને પકડી પાડવા સવારથી જ કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી વિગતો મુજબ ભુજમાં લાલ ટેકરી વિસ્તારમાં એક સ્થળે ઓલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન-કચ્છ દ્વારા લગાવાયેલા ઈદ મુબારકના હોર્ડિંગમાં શાહી ઢોળ્યાં બાદ હોર્ડિંગમાં આવેલ અસદુદ્દીન ઓવૈસી સહિત પાર્ટીના પ્રદેશ તેમજ જિલ્લાના પ્રમુખના ફોટા સાથે ચેડાં કરાયાં હોવાનું જાણવા મળતાં જિલ્લા પ્રમુખ સકિલ સમાએ તેમજ કાર્યકરો હોર્ડિંગ લાગેલ સ્થળે ધસી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. દરમ્યાન પાર્ટીના જિલ્લા પ્રમુખે વિડીયો વાયરલ કરી આ ઘટના અંગે આકરી પ્રતિક્રિયા આપતાં પોલીસ બેડામાં દોડધામ મચવાની સાથે રાજકીય હલચલ તેજ બની ગઈ હતી. વિડીયો મારફતે AIMIM કચ્છના પ્રમુખે જણાવ્યું કે “જે લોકોને દાઢી અને ટોપીથી તકલીફ છે, તેઓ યાદ રાખે, આ તકલીફ હવે યથાવત રહેવાની છે. જો કોઈ રાજકીય પાર્ટીએ કિન્નાખોરી રાખીને આ કૃત્ય કર્યું હશે અને જો મજલિસના હોર્ડિંગ કચ્છમાં ન લાગી શકતાં હોય તો કચ્છમાં કોઈપણ પાર્ટીના બેનર રહેવા નહીં દેવાય…” આ વિડીયો વાયરલ થયાં બાદ પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ હતી અને પોલીસ દ્વારા આ છમકલું કરનાર ઈસમોનો તાગ મેળવવા કવાયત જારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સકિલ સમાએ વધુ આક્ષેપો કરતાં જણાવ્યું કે જ્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ભુજમાં હોય, એ સમયગાળા દરમ્યાન જ એક રાજકીય પાર્ટીના બેનરને આવા તત્વો નિશાન બનાવે અને ભરચક વિસ્તાર હોવા છતાં અને ભુજ શહેર પોલીસ તમે “તીસરી આંખની કેદમાં છો..” એટલે કે સીસીટીવી સર્વેલન્સમાં હોવાનો ઢંઢેરો પીટતી હોય ત્યારે આ ઘટના ખરેખર પોલીસ માટે પણ પડકારરૂપ છે.

આ સમગ્ર મામલે પાર્ટીના જિલ્લા પ્રમુખે બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરીયાદ પણ આપી છે. જે અનુસંધાને બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર રમેશ ગોજીયાનો સંપર્ક કરતા તેઓએ હાલ આ મુદે તપાસ ચાલુ હોવાનું તથા આ કૃત્યમાં જેની સંડોવણી હશે તેના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.