હાજીપીર રોડ પરથી ખાનગી કંપની દ્વારા કરાતા મીઠાના પરિવહનમાં ઓવરલોડના કારણે થઈ રહ્યા છે ગંભીર અકસ્માત : ઓવરલોડના દૂષણને ડામવો જરૂરી

771

ભુજ : હાજીપીર પાસે આવેલ ખાનગી કંપની દ્વારા વાહનોમાં ઓવરલોડ ભરી મીઠાનું પરિવહન કરતા અનેક અકસ્માતો અને પર્યાવરણ તથા લોકોના સ્વાસ્થ્યને નુકસાન થયું હોવાની રાવ ઉઠી છે. નખત્રાણા તાલુકાના ઢોરા ગામના સામાજિક કાર્યકર યાકુબ મુતવા દ્વારા આ મુદે ટ્રાન્સપોર્ટ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ હાજીપીર નજીક આવેલ ખાનગી કંપનીઓ દ્વારા ટ્રકોમાં ઓવરલોડ ભરી મીઠાનું પરિવહન કરવામાં આવે છે. હાજીપીરથી જખૌ અને મુન્દ્રા સુધી મીઠાની ભરેલી ઓવરલોડ ગાડીઓ ખુલ્લેઆમ ચાલી રહી છે. ઓવરલોડના કારણે સતત અકસ્માતો પણ સર્જાતા રહે છે. 2-3 દિવસ અગાઉ બે દિવસમાં હાજીપીર રોડ પર છ જેટલી ટ્રકો પલ્ટી મારી ગઈ હતી. જેમાં બે ટ્રકો વચ્ચેના એક અકસ્માતમાં એક ડ્રાઇવરનું મૃત્યુ પણ થયું હતું. બે ઓવરલોડ ભરેલી ટ્રક સામ-સામે ટકરાતા ટ્રકની કેબીનમાં આગ લાગતા ડાઇવરનું બળી જવાથી મૃત્યુ નીપજયું હતું. તેમજ મીઠાના ઓવરલોડ પરિવહનના કારણે રસ્તા પર આવતા ગામોના લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. અવાર-નવાર મીઠાની ગાડીઓ પલ્ટી મારતા તેમાંથી જે મીઠો ઢોરાય છે, તે ત્યાં નો ત્યાંજ રહેતા મીઠી ઝાડીઓને નુકશાન કરે છે. આ મીઠાના ઢગલા પાણીના કુદરતી વહેણમાંથી પાણી સાથે ભળી જતા, પાણી પણ ખારા થઈ જાય છે. આ બાબત લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા સમાન છે. અવાર-નવાર રજુઆત છતાંય આ મુદે ભુજ આરટીઓ કામગીરીમાં નિષ્ફળ રહ્યા હોવો આક્ષેપ પણ કરાયો છે. હાલ વાવાઝોડાના કારણે ટ્રકો બંદ હતી, ત્યારે આરટીઓની ગાડી હાજીપીર રોડ પર જોવા મળી, પણ ઓવરલોડ ચાલુ હોય ત્યારે કામગીરી થતી નથી.

પર્યાવરણ તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને ઓવરલોડને કારણે અકસ્માતમાં લોકોની થતી જાનહાની જેવા ગંભીર મુદાઓ ધ્યાને લઈ, આ કંપનીઓ માંથી થતું ઓવરલોડ પરિવહન તત્કાલ કાર્યવાહી કરી રોકવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર યાકુબ મૂતવા દ્વારા કરાઇ છે.

Get real time updates directly on you device, subscribe now.