નેત્રા ગામે પશુ દવાખાનું 11 માસથી ડોકટર વિહોણો : માલધારીઓને પડે છે નલિયા, નખત્રાણા સુધી ધરમના ધક્કા

185

નખત્રાણા : તાલુકાના નેત્રા ગામે છેલ્લા લાંબા સમયથી પશુ દવાખાનામાં ડોકટરની જગ્યા ખાલી હોતા પશુઓની સારવાર માટે માલિકોને નખત્રાણા કે નલીયા સુધી લાંબા થવું પડે છે, અહીંના પશુ દવાખાનામાં છેલ્લા ૧૧ મહીનાથી ડોકટર ન હોવાથી પશુઓની સારવાર માટે માલિકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે, અબોલ જીવોને પુરતી સારવાર મળી રહે તે માટે સરકારે પશુ ચિકિત્સાલયનું નિર્માણ કર્યું છે, પરંતુ છેલ્લા અગિયાર માસથી પશુ ડોકટરની જગ્યા ખાલી પડી છે, ત્યારે પટ્ટાવાળાના ભરોસે દવાખાનું ચાલી રહ્યું છે.

આ અંગે નેત્રા જુથ ગ્રામ પંચાયતના સદસ્ય હારૂનભાઇ કુંભારે જણાવ્યુ હતુ કે કાયમી તબીબ ન હોવાથી પશુપાલકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. અહીંના હજારો લોકો ખેતી, ખેતમજુરી તથા પશુપાલન વ્‍યવસાય પર નિર્ભર છે, જ્યારે આ વિસ્‍તારના લોકોની આજીવિકા માત્રને માત્ર પશુઓ જ છે, ત્‍યારે નેત્રા તેમજ આજુબાજુના રસલિયા, ખોંભડી, ટોડીયા, ખીરસરા ( નેત્રા ) રામપર ( સરવા ) લક્ષ્મીપર ( નેત્રા ) બાઇવારી વાંઢ, બાંડીયા, બાડીયારા સહિતના અનેક ગામોના પશુપાલકોના પશુઓના આરોગ્‍ય તથા ભાવિ આરોગ્‍ય માટે જ્યા સારવાર મળે છે તેવા પશુ દવાખાનામાં છેલ્‍લા અગિયાર મહિના જેટલા સમયથી પશુ ચિકિત્‍સકની જગ્‍યા ખાલી હોવાથી હાલ ઇન્ચાર્જ ડોકટર ચાર્જ સંભાળી રહ્યા છે. તે પણ મોટાભાગે વિઝીટમાં હોતા પશુઓની હાલત કફોડી બની જાય છે, ત્‍યારે આવી પરિસ્‍થિતિમાં પશુપાલકોની રોજીરોટી સમા મુલ્‍યવાન અબોલ પશુઓ એક ડોકટરના અભાવે પશુપાલકોની નજર સામે અનેક પ્રકારની વેદના સહન કરે છે. તેટલું જ નહી ઘણીવાર પશુઓ ડોકટરના અભાવે મોતના મુખમાં ધકેલાય છે તેવી અતિ ગંભીર પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે. જ્યારે માનવ સારવાર માટે ઠેરઠેર સરકારી તથા ખાનગી અતિઆધુનિક સગવડતા સભર હોસ્‍પિટલો કાર્યરત છે, તેમજ દર્દીઓને સારવાર માટે લઈ જવા પણ અનેક સવલતો છે, ત્‍યારે પશુઓને માત્રને માત્ર એક ડોકટરની હાજરીથી સારવાર તથા નવજીવન મળતુ હોય છે. ત્‍યારે આવા અબોલ પશુઓ તથા પશુપાલકોની વિવશતા ઘ્‍યાને લઈ “આત્‍મા સો પરમાત્‍મા”નાં મંત્રને સાર્થક કરવા તાકિદે કાયમી પશુચિકિત્‍સકની નિમણૂંક કરવા હારૂનભાઇ કુંભાર દ્રારા માંગ કરવામાં આવી છે. ગામનું પશુ દવાખાનું અગિયાર માસથી તબીબવિહોણુ હોતાં પશુપાલકોમાં રોષ ફેલાયો છે, ગામમાં પશુ દવાખાનાની સુવિધા હોવા છતાં કોઇ વેટરનરી ડોકટર ન હોવાના કારણે તે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.

દવાખાનું ઘણા સમયથી ઇન્ચાર્જના હવાલે હોતા સપ્તાહમાં એક વખત ઈન્ચાર્જ આવે તો આવે નહીં તો કમ્પાઉન્ડર કરે ઇ ખરી. આ વિસ્તારના માલધારીઓ પશુ સારવાર માટે નેત્રા આવે પણ તબીબ ન હોય તો ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે, હાલ જ પશુઓ રોગચાળામાં સંપડાયા હતા ત્યારે રવાપર, નલિયા અને નખત્રાણા સુધી માલધારીઓને પોતાના પશુઓને બતાવા જવાની ફરજ પડી હતી. આ સમસ્યા ઉકેલવા માટે કાતો કાયમી તબીબ મુકો અથવા ઈન્ચાર્જ રેગ્યુલર આવે, આ સંજોગોમાં તાકીદે પશુ ડોકટર નિમાય તેવી માંગ માલધારીઓ કરી રહ્યા છે… તેવું નેત્રા જૂથ ગ્રામ પંચાયત ના સભ્ય હારૂન ભાઈ કુંભારે જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.