ભુજમાં પોલીસ દ્વારા ડિટેઇન કરેલા 20 થી 25 લોકોને એક ગાડીમાં લઇ જવાથી, જાહેરનામાની કલમોનો ભંગ થતો હોવાની રાવ

748

ભુજ : શહેરમાં લોક ડાઉન અમલવારી કરાવવા પોલીસ દ્વારા ઘરની બહાર ફરતા લોકોને ડિટેઇન કરી એક જ ગાડીમાં 20-25 લોકોને લઇ જઇ, સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી ન થતી હોવાનો આક્ષેપ ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યો છે.

કલેક્ટરને પત્ર લખી આ મુદે જાણ કરવામાં આવી છે. આ પત્રમાં જણાવાયું છે કે હાલ લોક ડાઉનની અમલવારી કરાવવા શહેરના સોસાયટી વિસ્તારમાં પોલીસ પોતાના વાહાનો સાથે આવે છે. આ કાર્યવાહી દરમ્યાન લોક ડાઉન ભંગ કરી ઘરથી બહાર ફરતા તેમજ ટોળે વળતા લોકોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ જવાય છે. પોલીસ દ્વારા આ કાર્યવાહીમાં 20-25 લોકોને એક જ ગાડીમાં બેસાડી લઇ જવાય છે જે લોક ડાઉનના નિયમો વિરૂદ્ધ છે. આવી કાર્યવાહી ગુજરાત સરકારને લોક ડાઉન ભંગ બદલ ધરપકડના મોટા આંકડા બતાવવા કરાઇ રહી હોવાની આશંકા પણ વિપક્ષી નેતા દ્વારા વ્યકત કરાઇ છે. ત્યાર બાદ આ લોકોને પોલીસ સ્ટેશને લઇ જવાય છે ત્યાં પણ જગ્યા બહૂજ ઓછી હોવાથી સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાતું નથી.

આ પ્રકારે એક જ વાહનમાં મોટી સંખ્યામાં લોકોને લાવી, આ તમામ લોકોનો સ્પર્શ કરી પોલીસ સ્ટેશને લઇ આવવું એ ગંભીર બેદરકારી છે. ફક્ત માસ્ક આને મોજા પહેરવાથી પોલીસને સંક્રમણ નહિં થાય એવી ધારણા ખોટી છે. જો પોલીસ ઉચ્ચ અધિકારીઓ પોતાના કર્મચારીઓને લોખંડના માનતા હોય તો આ પ્રકારે લોક ડાઉન અમલવારી કરાવવા મોકલી શકે છે. પણ ખરેખર એ સત્ય નથી. પોલીસને પણ કોરોનાનો સંક્રમણ થઇ શકે છે. અમદાવાદમાં કેટલાક પોલીસ કર્મીઓને સંક્રમણ થયો છે. ત્યારે શું કચ્છ પોલીસ આવી કોઇ ઘટનાની રહા જોઇ રહી છે કે શું ? કે પછી સરકારની વાહ વાહી લુંટવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર ફરજ બજાવતા કર્મચારીઓ પ્રત્યે સ્વાર્થી થઇ ગયા છે ? તેવા પ્રશ્નો વિપક્ષી નેતા દ્વારા ઉઠાવાયા છે.

તેઓએ જણાવ્યું છે કે લોક ડાઉન ભંગ કરનારા સામે પોલીસ કડકાઇથી, ડંડાનો ઉપયોગ કરી લોકોની સુખાકારી માટે અમલવારી કરાવે તે જરૂરી છે, પણ આ તમામ કાર્યવાહી નિયમાનુસાર થાય જેથી પ્રજાની સાથે પોલીસ જવાનો પણ સુરક્ષીત રહે. કારણે તેમના પણ પરિવાર છે, બાળકો છે, તેઓ ભારતના નાગરીક છે માટે તેમની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઇએ. આ મુદે પોલીસ વડાને પત્ર લખી જાણ કરવા નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કલેકટર સમક્ષ માંગ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.