અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ના સ્વાગત માટે AMC એ લગાડેલ હોર્ડીંગ્સમાં અમદાવાદનો સ્પેલિંગ ખોટો : MCC

890

અમદાવાદ : 24 તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે આવી રહ્યા છે. જેના સ્વાગત માટે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (AMC) દ્વારા સમગ્ર શહેરમાં હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. આ બેનરોમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાયેલ અમદાવાદ શહેરના નામનો સ્પેલિંગ ખોટો હોવા મુદે માઇનોરીટી કો ઓર્ડિનેશન કમિટિના કન્વીનર મુજાહીદ નફીસે AMCને પત્ર લખી જાણ કરી છે.

જેમાં જણાવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાગતમાં જે હોર્ડીંગ્સ લગાડવામાં આવ્યા છે તેમા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી એમ ત્રણેય ભાષામાં અમદાવાદ શહેરનું નામ લખેલ છે. આ હોર્ડીંગ્સમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં અહમદાબાદને બદલે અમદાવાદ લખવામાં આવ્યું છે તે ખોટો સ્પેલિંગ છે. કારણ કે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો અપાવવા સરકારે યુનેસ્કોને જે ડોકયુમેન્ટ આપ્યા હતા તેમાં અમદાવાદ શહેરનો સ્પેલિંગ ‘AHMADABAD’ આ પ્રકારે લખાયેલું હતું. આ જ સ્પેલિંગ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ની વેબસાઇટ પર પણ જોવા મળે છે. AMC દ્વારા લગાડેલા હોર્ડિંગ્સમાં અંગ્રેજીમાં AMDAVAD અને હિન્દીમાં अमदावाद એવી રીતે લખાયેલું છે છે તદન ખોટો છે. અમદાવાદ શહેરને 2017 માં વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો યુનેસ્કો દ્વારા અહમદાબાદના નામે આપવામાં આવ્યો છે. માટે અંગ્રેજીમાં ‘AHMADABAD’ અને હિન્દીમાં ‘अहमदाबाद’ એવી રીતે લખવું જરૂરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ 24મીએ જયારે અમદાવાદ આવશે ત્યારે તેમની સાથે આંતરરાષ્ટ્રીય મીડિયા પણ હાજર હશે, તેની નજર સ્પેલીંગ પર જશે તો તેઓ વિચારશે કે AMC શહેરનું નામ સાચું નથી લખી શકતી, જેના કારણે અન્ય કામો પર પણ શંકા થઇ શકે છે. રજૂઆતમાં AMC પર તંજ કસતા જણાવ્યું છે કે અમને વિશ્વાસ છે કે આ ટાઇપીંગ મીસ્ટેક હશે પણ અમારી એવી માંગ છે કે પ્રજાના કરોડો રૂપિયા ખર્ચીને જે હોર્ડીંગ્સ બનાવેલા છે તેમાં સ્પેલિંગ સુધારવામાં આવે નહીંતર જવાબદારો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ટકોર કરવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.