RNB પંચાયતનો “જાદુઇ કૌશલ્ય” : માધાપરમાં બે વર્ષમાં એક જ રોડ ત્રણ વખત બન્યું

490

ભુજ : માર્ગ અને મકાન વિભાગ પંચાયત(RNB)નો “જાદુઇ કૌશલ્ય” સામે આવ્યો છે. RNB પંચાયત દ્વારા ગેરરીતિ આચરી માધાપર જુનાવાસમાં બે વર્ષમાં અલગ-અલગ એજન્સીઓ મારફતે એક જ રોડને ત્રણ વખત બનાવ્યાનો આક્ષેપ ઉઠ્યો છે.

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને પૂર્વ સેનેટ દિપક ડાંગર દ્વારા આ બાબતે રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી નિતીનભાઈ પટેલને આ બાબતે રજૂઆત કરી છે. માધાપર જુનાવાસમાં સ્વામિનારાયણ નગર થી અંજાર હાઇવેને જોડતો રોડ બનાવવામાં આવ્યો છે. જેની લંબાઈ એક કીલોમીટર જેટલી છે. આ રોડનું કામ સૌ પ્રથમ  2017 માં એ. એન્ડ ટી. ઇનફ્રાકોન પ્રા લી નામની એજન્સી દ્વારા કરવામાં આવ્યું. ત્યાર બાદ વિજય કન્સ્ટ્રક્શન નામની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું.  અને હમણા આ જ રોડનો 500 મીટર જેટલી લંબાઇનો સીસી રોડ આશાપુરા કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવ્યો છે. પ્રથમ બંને વર્ક ઓર્ડર પ્રમાણે આ રોડ ગેરેન્ટી પિરિયડમાં હોવા છતાં ત્રીજી વખત રોડ બનાવવામાં આવ્યો છે. તેમજ કામમાં પણ ગુણવત્તા જાળવવામાં આવી નથી. નબળું કામ છુપવવા અથવા પોતાને ફાયદો પહોંચાડવા ગેરન્ટી પીરિયડ વાળા એકજ રોડને અલગ-અલગ એજન્સીઓ દ્વારા ત્રણ-ત્રણ વખત બનાવી RNB ના અધિકારીઓએ મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

સમગ્ર પ્રકરણે SO તથા નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત, મૌખિક રજૂઆતો છતાંય કોઇ કાર્યવાહિ કરવામાં આવી નથી. આ સમગ્ર કૌભાંડની તપાસ કરી જવાબદાર અધિકારીઓ તેમજ અન્ય જવાબદારો વિરૂદ્ધ કડક કાર્યવાહિ કરી દાખલો બેસાડવામાં આવે જેથી આવનારા સમયમાં પ્રજાના નાણાનો વ્યય થતો અટકે અને ભ્રષ્ટાચાર ન થાય તેવી માંગ કરાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.