ખારસરા ગ્રાઉન્ડની સફાઈ માટે અરજદારને PMO સુંધી જવું પડે !!! : આમા કયાંથી થશે “સ્વચ્છ ભારત” ?

412

ભુજ : શહેરના વોર્ડ નં 1 માં ખારસરા ગ્રાઉન્ડ આવેલું છે. આ ગ્રાઉન્ડમાં અનેક ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ નાની મોટી મેચો રમાય છે. હાલ આ ગ્રાઉન્ડમાં બાવળની ઝાડીઓ તથા ખૂબજ ગંદકી થઇ ગયેલ છે. આ તમામ બાબતે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને છેલ્લા ત્રણ મહિનાથી અવારનવાર રજૂઆત કરવા છતાંય આજ દિવસ સુધી નગરપાલિકા દ્વારા આ ગ્રાઉન્ડની સફાઇ કરવાની તસ્દી લેવાઇ નથી.

આ વિસ્તારમાં આવતા મુસ્કાન નગર તથા મુસ્તફા નગરના રહેવાસીઓ તથા મોર્નીંગ ક્રિકેટ ગૃપના સભ્યોએ એડવોકેટ મજીદ મણીયાર મારફતે ગત ઓગષ્ટ માસમાં રજૂઆત કરી હતી. ત્યાર બાદ સતત બે વખત સામાજિક અગ્રણી ઇકબાલ સમા દ્વારા આ મુદે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નં 1 માં આવેલ ખારસરા ગ્રાઉન્ડમાં હાલ બાવળની ઝાડીઓ વધી ગઇ છે. જેની ગંદકીના કારણે જીવ જંતુઓ પણ વધી ગયા છે. ઝાડીઓના કારણે ત્યાં અસામાજિક પ્રવૃતિઓ થઇ રહી છે. વધુમાં અહિં અજાણ્યા લોકો કાટમાળ ઠલાવી જાય છે. મૃત જાનવરના અવશેષ પણ ત્યાં અજાણ્યા લોકો ફેંકી જાય છે. જેના કારણે ક્રિકેટ રમવું તો દૂર ત્યાંના લોકોનું જીવવું મુશ્કેલ થઇ ગયેલ છે. માટે આ બાવળની ઝાડીઓ કપાવી, ગ્રાઉન્ડમાં રહેલ ગંદકી દૂર કરી, ગ્રાઉન્ડ ફરતે ફેન્સીંગ કરાવવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “સ્વચ્છ ભારત” મીશનને સાકાર કરવા અરજદારે જણાવ્યું છે.

જો કે સતત રજૂઆત છતાંય નગરપાલિકા દ્વારા કોઈ હકારાત્મક કામગીરી ન કરાતા ન છુટકે અરજદાર ઇકબાલ સમાએ PMO માં ઓનલાઇન પીટીશન કરી હતી. જેના પ્રત્યુતરમાં PMO એ નગરપાલિકાના ચીફ ઓફિસરને ખારસરા ગ્રાઉન્ડની સફાઇ માટે ભલામણ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે સરકાર દ્વારા “સ્વચ્છ ભારત” મીશન અંતર્ગત સમગ્ર દેશમાં અધિકારીઓ તથા પદાધિકારીઓને સફાઇ બાબતે જાગૃત રહેવા કડક સુચનાઓ આપવામાં આવી છે. છતાંય સફાઇ જેવી સામાન્ય બાબતે છેક PMO સુધી રજૂઆત કરવાની ફરજ પડે છે. જે બાબત સ્વચ્છતા મુદે ભુજ નગરપાલિકાની નિષ્ક્રિયતા છતી કરે છે.

આ સમગ્ર મુદે ખારસરા ગ્રાઉન્ડની સફાઇ માટે સ્થાનિક રહેવાસીઓની સતત રજૂઆત છતાંય ઘોર નિંદ્રામાં રહેલ ભુજ નગરપાલિકા PMO ની ભલામણ બાદ હવે “સ્વચ્છ ભારત” મીશન અંતર્ગત ખારસરા ગ્રાઉન્ડમાં સફાઇ ઝુંબેશ ચલાવશે કે કેમ ? તે જોવું રહ્યું.

Get real time updates directly on you device, subscribe now.