લુડીયામાં આરોગ્ય સબ સેન્ટરના નામે જીલ્લા પંચાયતમાં લાખોના કૌંભાડનો આક્ષેપ

462

ભુજ: કચ્છ જીલ્લા પંચાયત દ્વારા ભુજ તાલુકાના વિવિધ ગામોમાં આરોગ્ય સબ સેન્ટર નિર્માણના નામે કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની રજૂઆત ખૂદ જીલ્લા પંચાયતના સભ્ય એ કરી હોવા છતા જીલ્લા પંચાયતના સત્તાધિશો ભ્રષ્ટાચારની તપાસ કરાવવામાં રસ નથી લઈ રહ્યા.
ભુજ તાલુકા લુડીયા ગામના તૈયબ સુલેમાન નોડે એ જીલ્લા પંચાયતના પ્રમુખને સંબોધીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે લુડીયા ગામે બનાવાયેલું સબ સેન્ટર સુરક્ષિત નથી કારણ કે તેના નિર્માણમાં સિમેન્ટ સાવ ઓછું અને રેતી વધારે વપરાઈ છે.લોકોના આરોગ્ય માટે બનેલા આ મકાનની બાજુમાં પણ જતા ભય લાગે છે કારણ કે આ હલકી ગુણવત્તાનું બાંધકામ ગમે ત્યારે પડીને ભાંગી શકે છે.ભ્રષ્ટાચારના પુરાવા રુપે નબળા બાંધકામના ફોટા તંત્રને અપાયા હોવા છતા કોઈ અધિકારીએ સાઈટની વિઝીટ કરી નથી.જીલ્લા પંચાયતના અધિકારીઓ આ કૌંભાડ પર પડદો નાંખી રહ્યા છે ત્યારે આગામી સમયમાં લુડીયાના ગ્રામજનોને સાથે રાખી ભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય લડત આદરી આ સબ સેન્ટરના બાંધકામ પેટે ચુકવાયેલા સરકારના નાણાની રીકવરી કરાવવામાં આવશે તેવી ચીમકી લુડીયાના અગ્રણી તૈયબ નોડેએ ઉચ્ચારી છે.

એ અરજીની તપાસ જરુરી : ડીડીઓ
આરોગ્ય સબ સેન્ટરમાં ભ્રષ્ટાચાર અંગે થયેલ અરજી મુદ્દે ડીડીઓ પ્રભવ જોષીએ જણાવ્યું કે ઘણી વખત કોન્ટ્રાક્ટર અને ઈજનેરોના કામમાં બેદરકારીથી હોઈ શકે પરંતું અમૂક કિસ્સામાં ગામલોકો દ્વારા અધિકારીઓને હેરાન પણ કરાતા હોય છે, આ પ્રકરણમાં ખરેખર શું છે તેની તપાસની તેમણે ખાતરી આપી હતી.

જરુર જણાયે યોગ્ય પગલા લઈશું : જી.પં.પ્રમુખ
લુડીયા સબ સેન્ટરમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ પ્રતિક્રિયા આપી કે આચાર સંહિતાના કારણે તપાસ થઈ શકી નહોતી.સબ સેન્ટર અંગે કરાયેલા આક્ષેપોની તપાસ જરુર કરવામાં આવશે અને જરુર જણાયે યોગ્ય પગલા લઈ ઘટતું કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.