‘‘પાંજે મતથી આય લોકતંત્રજો માન..’’ ‘રંગોળી થીમ’ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન

574

ભુજ : લોકતંત્રનો સૌથી મોટા તહેવાર એવા લોકસભાની સામાન્ય ચૂંટણી માટે સૌ કોઇને ઉત્સાહ છે ત્યારે આગામી 23મી એપ્રિલે સમગ્ર ગુજરાત સહિત કચ્છ લોકસભાની બેઠક માટે પણ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. લોકસભાની ચૂંટણીમાં કચ્છ લોકસભા મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુ થી જિલ્લા વહીવટી તંત્ર તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લાના મુખ્ય મથક ભુજ તેમજ જિલ્લાના તમામ તાલુકા મથક ખાતે રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

આજે ભુજ ખાતે જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી રેમ્યા મોહનની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રંગ-બે-રંગી રંગોળીના આકર્ષક મતદાન જાગૃતિ થીમ આધારિત સુત્રોથી મતદારોને આગામી ૨૩મી એપ્રિલે કચ્છીજનોને ‘‘પાંજે મતથી આય લોકતંત્રજો માન..જરૂર કઇજા મતદાન’’નો મતદારોને ૧૦૦ ટકા મતદાન કરવાનો વિશાળ સંદેશ આપી અનુરોધ કરાયો હતો.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને મતદારોને જાગૃતિ કરવાના તંત્રના સહિયારા અભિયાન ભાગરૂપે આજે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી બનાવી મતદારોને તેમના કિંમતી મતાધિકારના ઉપયોગ અંગે જાગૃત કરી વધુને વધુ મતદાન કરવા પ્રેરિત કરવા સરકારી કચેરી ખાતે તેમજ શાળા-કોલેજો અને જાહેર સ્થળોએ રંગોળી બનાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ પણ આવતી કાલનું ભવિષ્ય અને મતદારો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં વિશેષ મતદાન થાય અને મતદારો પોતાના મતનો જરૂરથી ઉપયોગ કરે તેવા મતદાન જાગૃતિના શુભ હેતુથી વિદ્યાર્થીઓએ દેશના સૌથી મોટા તહેવારની ઉજવણી કરવા માટે સૌ મતદાતાઓને આહ્વાન રૂપી નાદ રંગોળીના માધ્યમથી કર્યો છે. આ વખતે ચૂંટણી પંચ દ્વારા લોકો વધુને વધુ મતદાન કરે તે માટે ‘‘23 મી એપ્રિલે ગુજરાત કરશે મતદાન’’ સ્લોગન આપ્યું છે તેને સાર્થક કરવા માટે કચ્છના વિદ્યાર્થીઓએ પણ સેવારૂપી યજ્ઞમાં આહુતી આપી છે. ‘‘આપણા મતથી છે લોકતંત્રને માન, તો જરૂર કરો મતદાન’’ જેવા સુત્રોને સંગાથે રંગોનો પ્રકાશ પાથરી લોકશાહીના મહા ઉત્સવ માટે વધુને વધુ મતદારો જાગૃત થાય તેવો વિદ્યાર્થીઓએ રંગોળીના માધ્યમથી પ્રયાસ કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના જણાવ્યા અનુસાર ૨૧૩૭ પ્રાથમિક શાળાઓ, ૪૪૬ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ૪૩ કોલેજો  મતદાન જાગૃતિના રાષ્ટ્રીય અભિયાનમાં જોડાયાં હતા.

ભુજમાં જિલ્લાકક્ષાએ જયુબિલી ગ્રાઉન્ડ સર્કલ પાસે લેવા પટેલ કન્યા વિદ્યાલયની છાત્રાઓ, હમીરસર કાંઠે હોટેલ લેકેવ્યુ પાસે આર.ડી.વરસાણી હાઇસ્કૂલનાવિદ્યાર્થીઓ તથા કલેકટર કચેરીના પ્રાંગણમાં સ્વામિનારાયણ કન્યા  વિદ્યાલયની છાત્રાઓએ મતદાર જાગૃતિના થીમ ઉપર રંગોળી તૈયાર કરી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિ તથા સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.પ્રજાપતિ ઉપરાંત શિક્ષણ વિભાગના બી.એમ.વાઘેલા, વી.એમ.તેરૈયા, શ્રીમતી સ્નેહાબેન રાવલ, કિશોર સોની અને કુ. દીપિકા પંડ્યા વગેરે આયોજન સંભાળ્યું હતું.

તાલુકા મથકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી કોર્ડિનેટર, એસવીએસ કન્વીનર, પ્રાથમિક-માધ્યમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થી ભાઇ-બહેનો આ અભિયાનમાં જોડાયાં હતા. તાલુકા મથકોએ તેમજ જિલ્લામથકે ૧૦’x૧૦’ની ૧૦૦ ટકા મતદાન માટે મતદારો પ્રેરાય તે થીમ ઉપર રંગોળી તૈયાર કરાઇ હતી.  તમામ શાળા-કોલેજોની નજીક જયાં બહોળા સમુદાયની અવર-જવર હોય તેવા જાહેર સ્થળોએ ઓછામાં ઓછી ૪’x૪’ની મતદાન જાગૃતિની રંગોળીઓ તૈયાર કરાઇ હતી.

Get real time updates directly on you device, subscribe now.