માધાપરમાં ભાજપની સભામાં કોંગી અગ્રણી 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા

2,036

ભુજ : તાલુકાના માધાપર જુનાવાસ ખાતે આશાપુરા ગરબી ચોક મધ્યે ભાજપના લોકસભા ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર માટે સભાનું આયોજન કરાયું હતું, જેમા રાજ્યમંત્રી વાસણ આહિરે સભાને સંબોધતા કેન્દ્ર સરકારના વિકાસ કાર્યો ગણાવી ભાજપને ફરી સત્તાનું સિંહાસન પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પોતાના ભાષણમાં રાજયમંત્રીએ સાંસદ વિનોદ ચાવડાના વિકાસ કાર્યોની છણાવટ કરી હતી. આ સભામાં કચ્છ જિલ્લા કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ વિપક્ષી નેતા દેવેન્દ્રસિંહ જેઠવા તેમના પુત્ર યશપાલસિંહ જેઠવા સહિત 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. રાજયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ તેમને ભગવો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.

અન્ય સ્થળે કાર્યક્રમના કારણે મોડા પહોંચેલા પુરૂષોત્તમ રૂપાલાએ આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે ભાષણ આપવાનું ટાળ્યું હતું. ઉપસ્થિત ગ્રામજનો અને ભાજપ કાર્યકરોની વચ્ચે સૂત્રોચ્ચાર કરાવીને જુસ્સો વધાર્યો હતો. નિરાશ થયેલા કાર્યકરોને પુરૂષોત્તમ રૂપાલાએ બીજી વખત માધાપરમાં આવવાનું વચન આપ્યું હતું. જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્યો નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડા, જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નીયતી પોકાર, ભુજ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિતેશ ખંડોર, યુવા અગ્રણી રમેશ આહિર, દિનેશ ચુનીલાલ ઠક્કર, જુનાવાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિજય રાજપુત સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.