સક્ષમ ઉમેદવારના અભાવે ભાજપ કચ્છમાં દલિતોના ધર્મગુરૂ શંભુનાથ ટુંડીયાને મેદાનમાં ઉતરશે ?

4,028

ભુજ : લોકસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે દેશના સૌથી મોટા જિલ્લા કચ્છની લોકસભા બેઠકના ઉમેદવારને લઈને અટકળો તેજ બની રહી છે. ઉમેદવાર પર પસંદગીનું કળશ ઢોળવા કોંગ્રેસમાં જેમ મત મતાંતર છે. તેમ ભાજપ પાસે પણ સક્ષમ ઉમેદવારનો અભાવ વર્તાય છે ભાજપના વર્તમાન સાંસદ વિનોદ ચાવડા વિકાસ કાર્યોની વણઝાર લોકો સામે રજૂ કરી રહ્યા છે. પરંતુ વિનોદ ચાવડાને રિપીટ કરવા કે નહીં તે મુદે ભાજપ અવઢવમાં મુકાયું છે. પોતાના કાર્યકાળ દરમ્યાન જૂથવાદથી દૂર રહેલા સાંસદ વિનોદ ચાવડાને ભાજપનો જૂથવાદ નડી રહ્યો હોવાનું સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે. ભાજપના ધારાસભ્યોથી લઈને નગરપાલિકાઓ સુધી જ્ઞાતિવાદની આડમાં જૂથવાદ અછાનો રહ્યો નથી. જે વિનોદ ચાવડાની ટિકીટ આડે મોટું ગ્રહણ બની શકે છે. સતાપક્ષના જૂથવાદમાં યુવા સાંસદે પોતાનો અલગ જ માર્ગ જાળવી રાખ્યો છે, પરંતુ કોઈ જૂથના સમર્થન વિના ટિકીટ મેળવવી મુશ્કેલ હોવાથી વિનોદ ચાવડાની વાપસી પર પ્રશ્નાર્થ ખડો થાય છે. જાણકારોમાં થઈ રહેલી ચર્ચા મુજબ ટિકીટ મુદે ભાજપના દલિત નેતાઓ વચ્ચેનો મતભેદો પણ ચરમસીમાએ પહોંચી ગયા હતા, જેની પાર્ટીએ ગંભીર નોંધ લીધી હતી.

સ્થાનિક જૂથવાદથી બચવા ભાજપ રાજ્યસભાના સાંસદ અને દલિત સમાજના ધર્મગુરૂ શંભુનાથ ટુંડીયાને મેદાનમાં ઉતારી દલિત મતો અંકે કરવાની રણનીતિ અપનાવી શકે તેવી પ્રબળ શકયતાઓ જાગૃતો વ્યકત કરી રહ્યા છે. શંભુનાથ ટુંડીયા દલિતોના સર્વમાન્ય ધર્મગુરૂ અને ઝાંઝરકા જાગીરના અધ્યક્ષ છે. ઉનાકાંડ સમયે તેમણે દલિતોના પક્ષમાં રહી રાજીનામાની ચીમકી આપી દીધી હતી. દલિત સમાજના તમામ વર્ગો તેમને સન્માનીય માને છે. ત્યારે તેમની લોક પ્રિયતા અને દલિત સમાજમાં તેમનો મોભો જોતા કચ્છમાં ભાજપ તેમને ટિકીટ આપે તો નવાઇ નહીં તેવી ચર્ચા જાણકાર વર્ગમાં છેડાઇ છે. શંભુનાથ ટુંડીયાની કચ્છમાંથી ઉમેદવારી પાછળ જો સૌથી મોટું કારણ નિમીત બની શકે તો તે કચ્છ ભાજપના દલિત નેતાઓની ટાંટીયા ખેંચ અને સક્ષમ ઉમેદવારનો અભાવ છે. ઉમેદવાર પસંદગીની બાબતમાં ભાજપ તરફે છેલ્લી ઘડી સુધી કાંઇ પણ કહેવું અશક્ય હોય છે, તેથી છેલ્લી ઘડીએ મત મતાંતર ડામવામાં ભાજપ સફળ થાય છે કે પછી બહારથી ઉમેદવાર લાવવા પડશે તે તો સમય જ કહેશે.

કચ્છ લોકસભા ભાજપ ઉમેદવાર અંગે વધુ માહિતી આગામિ સમયમાં “વોઈસ ઓફ કચ્છ”ના આર્ટીકલમાં પબ્લીસ થશે.

Get real time updates directly on you device, subscribe now.