ભુજ હત્યા પ્રકરણ : ક્રાઇમ પેટ્રોલ શો જેવી કામગીરીના સાક્ષાત દર્શન કરાવતી પશ્ચિમ કચ્છ LCB

4,480

ભુજ : શહેરના ત્રિમંદીર પાસે એક બંગલાના બાંધકામ દરમ્યાન નવેક મહિના પૂર્વે ગુમ થયેલી પરિણીતાની લાશના અવશેષો મળી આવ્યાના સમાચાર પ્રસરતાજ સમગ્ર કચ્છમાં ચકચાર જાગી હતી. કોઈ ફિલ્મના સસ્પેન્સ અને ટીવી પર આવતા ક્રાઇમ પેટ્રોલ શો ને પણ શરમાવે તેવા જઘન્ય ક્રાઇમના મૂળ સુધી પહોંચી પશ્ચિમ કચ્છ એલસીબીએ આજે નવ મહિનાથી ગુમ રૂકશાના માંજોઠીની હત્યાના એક પછી એક રહસ્યો પરથી પડદો ઉંચકીને સમગ્ર ઘટના ક્રમ રજૂ કરતા ક્રાઇમ ની દુનિયામા સૌથી અલગ સૌથી વધુ ચર્ચાનો વિષય આ કિસ્સો બની ગયો છે. ભુજના અમનનગરની રહેવાસી પરિણીતા રૂકશાના માંજોઠીની ગુમનોંધ તેના પતિએ દર્જ કરાવી હતી, પરંતુ તેણીના પતિની વર્તણૂક જોતા રૂકશાનાના માવતરોએ તેના પતિ ઇસ્માઇલ માંજોઠી સામે જ શંકા દર્શાવી હતી અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસને ઉકેલવા વિવિધ રજૂઆતો ધ્યાને લેતા કચ્છ બોર્ડર રેન્જના આઇજી ડી.બી. વાઘેલાએ પશ્ચિમ કચ્છ પોલીસને તલસ્પર્શી તપાસની સૂચનાઓ આપ્યા બાદ પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબીયા અને એલસીબી પી.આઈ. ઔસુરાની ખંત પૂર્વકની તપાસના અંતે હત્યાના સનસની ખેજ પ્રકરણનો પર્દાફાશ થયો છે. મુંબઈની યુવતિ નાઝીયા સાથે લગ્ન બાદ ઇસ્માઇલ માંજોઠી અને તેની પત્ની રૂકશાના વચ્ચે ઝઘડો શરૂ થયો જે હત્યામાં પરિણમ્યો.

રૂકશાનાનો કાંટો કાઢી નાંખવા ઇસ્માઇલ અને અન્ય આરોપીઓએ જે પ્લાન બનાવ્યો તે ક્રાઇમ પેટ્રોલ જેવા શોમાં જોવા મળતું હોય છે. ભુજમાં કાસમશા પીરની દરગાહ પાસે રૂકશાનાની હત્યા કરી લાશને સગેવગે કરી ગુમનોંધ દર્જ કરાવાઇ અને રૂકશાના હયાત છે તેવું દર્શાવવા અમદાવાદ, અજમેર સુધી રૂકશાનાના નામની ખોટી આઇડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ પોલીસને ગેરમાર્ગે દોરવા કરાયો. રૂકશાનાની લાશનુ રુવાડુંય હાથ ન આવે તે માટે ત્રિમંદીર પાસે ચાલી રહેલ અરવિંદસિંહ નામની વ્યક્તિના નવા બંગલાના બાંધકામમાં મામદ ઓસમાણ કુંભારના જેસીબી ટ્રેકટર વડે માટી અને પુર નાખવામાં આવ્યું, તેમાં લાશના અવશેષો ભેળવી દઇ ઉપરથી સિમેન્ટ કોંક્રીટ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે તે આજે પશ્ચિમ કચ્છ એલસીબીએ સાબિત કરી બતાવ્યું છે અને તમામ રહસ્યો પરથી પડદો ઉંચકીને રૂકશાનાની હત્યા બદલ ઇસ્માઇલ માંજોઠી સાથે 1,જાવેદ જુસબ માંજોઠી 2,સાજીદ દાઉદ ખલીફા 3, સાયમા વા/ઓ સાજીદ દાઉદ ખલીફા 4, શબ્બીર જુસબ માંજોઠી 5, અલ્તાફ અબ્દુલ માંજોઠી સામે IPC કલમ 302, 201, 120 (બી) , 34, 177 તથા જી.પી એકટની કલમ 135 મુજબ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરેલ છે. ખુબજ જટીલ અને રહસ્યમય કહી શકાય તેવા આ કેસના ડિટેક્શન બદલ પશ્ચિમ કચ્છ પોલીસની કુનેહના દર્શન પણ લોકોને થયા છે.

Get real time updates directly on you device, subscribe now.