એશીયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ભુજના યુવાનને યોગ્ય પુરસ્કાર આપવા મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસની માંગ
ભુજ : તાજેતરમાં જકાર્તાના પાલેમબર્ગ ખાતે યોજાયેલી 18 મી એશીયન ગેમ્સ – 2018 માં ભુજના યુવાન તીર્થ હિરેનભાઇ મહેતાએ ઇ-સ્પોર્ટસ હાર્થ સ્ટોનમાં બ્રોન્ઝ મેડલ મેળવી કચ્છનું ગૌરવ વધારેલ હોઇ આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા કચ્છ ગૌરવ તીર્થ મહેતાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. એશીયન ગેમ્સ- 18 માં બ્રોન્ઝ મેડલ મેળવનાર ભુજના યુવાન તીર્થ મહેતાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા સાલ ઓઢાળી સન્માન કરી યુવકની સિધ્ધીને કચ્છ માટે ગૌરવવંતી ગણાવી હતી. આ સિધ્ધી મેળવવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પત્ર લખી કચ્છ સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારનાર યુવાનને યોગ્ય પુરસ્કાર, રોકડ ઇનામ આપી પ્રોત્સાહન આપવા માંગણી કરી છે. તેમજ આ યુવાનને સરકાર દ્વારા અદ્યતન સુવિધાઓ પુરી પાડી તાલીમ આપી અને આગામી ઓલંપિક સહિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બનાવવા માંગ કરી છે. ભુજના હાટકેશ્વર મંદિર ખાતે વિશિષ્ટ સિધ્ધી મેળવનાર યુવાનનું સન્માન કરનાર કોંગ્રેસ પ્રતિનિધિ મંડળમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત પ્રદેશ અગ્રણી આદમ ચાકી, જિલ્લા કોંગ્રેસના જયવીરસિંહ જાડેજા, રવિ ત્રવાડી, ડો. રમેશ ગરવા, દિપક ડાંગર જોડાયા હતા.