ભુજ નગરપાલિકામાં નિમાબેનનું ધાર્યું કરવામાં પૂર્વ કોંગ્રેસી નગરસેવકની મુખ્ય ભુમિકા !

3,683

ભુજ : નગરપાલિકાના કારોબારી ચેરમેન માટે છેલ્લા થોડા દિવસથી ભાજપ પક્ષમાં ટાંટીયા ખેંચ ચાલી રહી હતી. જેનું કાલે ભરત રાણાની કારોબારી ચેરમેન તરિકે વિધિવત વરણી થતા અંત આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય નિમાબેન આચાર્યનું ધાર્યું થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ ધાર્યું કરવામાં સફળતા અપાવવામાં કોંગ્રેસના પૂર્વ નગરસેવકે સક્રિય ભુમિકા ભજવી હોવાનું રાજકીય સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. વાત એવી રીતે બહાર આવી છે કે ભાજપમાં 15 નગરસેવકોના નારાજ જુથે નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી ત્યારે એવું લાગી રહ્યું હતું કે કારોબારી ચેરમેનના પદ માટે ભાજપનો નારાજ જુથ બળવો કરશે. અને જો વોટીંગ થશે તો આ બળવામાં કોંગ્રેસના નગરસેવક પણ નારાજ જુથને સપોર્ટ આપે તેવું માધ્યમોમાં ચર્ચાઈ રહ્યું હતું. જો એવું થાય તો નારાજ જુથનું ધાર્યું થઈ જાત અને કારોબારી ચેરમેન તેમના બની ગયા હોત. પણ આ બળવાને દબાવવા ધારાસભ્ય દ્વારા પૂર્વ કોંગ્રેસી નગરસેવક હમીદ ભટ્ટીનો સંપર્ક કરી તેમની મદદ લીધી હોવાનું સૂત્રોમાં ચર્ચાઇ રહયું છે. વરણી સમયે અમુક કોંગ્રેસી સભ્યો નગરપાલિકાની મીટીંગમાં હાજર રહ્યા ન હતા તેની પાછળનું કારણ હમીદ ભટ્ટીએ સક્રિય ભુમિકા ભજવી નારાજ જુથને સમર્થન આપનાર કોંગ્રેસી સભ્યોની મીટીંગમાં હાજર ન રાહેવા માટે સમજાવટ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સભ્યોના હાજર ન રહેવાના કારણે ભાજપના નારાજ જુથને બહુમતી સભ્યો થવાની આશા ન રહેતા આખરે ભરત રાણાને ચેરમેન બનાવવામાં સહમતિ આપવી પડી હતી. આ રીતે ધારાસભ્યની ગણતરી પાર પાડવા પાછળ પૂર્વ કોંગ્રેસી નગરસેવકે ભાજપના નારાજ જુથના ખેલને ઉંધો પાડી ધારાસભ્‍યનું ધાર્યું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું રાજકીય સૂત્રોમાંથી જાણવા મળેલ છે. તેમજ પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટીના સક્રિય થવા પાછળ પોતાની નગરસેવક તરીકેની ટર્મ દરમ્યાન જે જુથ સાથે નગરપાલિકામાં અણબનાવ બન્યો હતો તે જ જુથના માણસને ચેરમેન બનાવવા કવાયત હાથ ધરાઈ હોવાનું કારણ ચર્ચાઇ રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.