ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂ થી બચવા આવશ્‍યક પગલાઓ

463

ભુજ : ઉનાળાની શરુઆતથી જ દિવસે દિવસે તાપમાનનો પારો ઉંચો જતો જાય છે. અતિ વધતી જતી ગરમી(લૂ)માં લોકોના સ્‍વાસ્‍થ્‍યના રક્ષણ માટે આરોગ્‍ય શાખા જીલ્‍લા પંચાયત કચ્‍છ તરફથી તકેદારીના પગલાના ભાગરુપે જનહિતાર્થે નીચે મુજબ માર્ગદર્શન અપીલ કરવામાં આવે છે. અતિ ગરમીના લીધે માનવ-શરીરનું ઉષ્‍ણતામાન વધે છે જેના લીધે શરીરના રક્ષણ માટે ખાસ કરીને સગર્ભા માતાઓ, નાના બાળકો, વૃધ્‍ધો, શ્રમજીવીઓએ તાપના રક્ષણથી જરુર વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. ઉનાળાની ગરમી અને લૂથી બચવાના પગલાઓ. આટલું કરવું. બને ત્‍યા સુધી ખુલ્‍લામાં તડકામાં જવું ટાળવું, ખુલતા અને સંપુર્ણ શરીર ઢંકાય તેવા વસ્‍ત્રો પહેરવા, દિવસ દરમ્‍યાન પુષ્‍કળ પ્રમાણમાં પ્રવાહી અને પાણી પીવું, ભીના કપડાથી માથું ઢાંકીને રાખવું, કલોરીનયુકત પાણીનો ઉપયોગ કરવો, દિવસ દરમ્‍યાન રુમમાં ગરમ હવા આવતી હોય તે દિશાની બારીઓ બંધ રાખવી, પ્રવાહીવાળા ફળો જેવા કે, તાજા તરબુચ, સકરસેટી વગેરે ઉપયોગમાં લેવા જોઈએ, તડકામાં નીકળવાનું થાય તેવા સંજોગોમાં સનગ્‍લાસ અથવા ઘેરા કલરના ગોગલ્‍સ અને માથા પર સફેદ કેપ પહેરવી તેમજ કાનમાં રુના પુમડાં ભરાવી રાખવાં અને બુટ, ચંપલ, સેન્‍ડલ પગમાં અવશ્‍ય પહેરવા, ઘેરથી નીકળતા પહેલા પાણીના બે થી ત્રણ ગ્‍લાસ પીને નીકળવું, ભુખ્‍યા પેટે ઘેરથી બહાર ન નીકળવું, શકય હોય તો ઘેરથી છત્રી લઈને નીકળવું, ઝાડા અથવા સુસ્‍તી જણાય તો ઓ.આર.એસ.ના દ્રાવણનો ઉપયોગ કરવો, અથવા એક લીટર પાણીમાં એક મુઠી ખાંડ અને એક ચપટી મીઠું નાખેલા દ્રાવણનો ઉપયોગ કરવો,

માથાનો દુઃખાવો, બેચેની, ચકકર આવવા, ઉબકા આવવા, ઉલ્‍ટી આવવી કે તાવ આવે તો તુરંત જ નજીકના દવાખાના, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કે હોસ્‍પીટલમાં ડોકટરની સલાહ અને સારવાર મેળવવી દરમ્‍યાનમાં ઓ.આર.એસ.નો ઉપયોગ ચાલુ રાખવો. જાનવરોને છાયડો હોય તેવા સ્‍થળે રાખો અને તેમને પુરતી માત્રામાં પીવાનું પાણી આપો. પ્રવાસ દરમ્‍યાન પાણીની બોટલ સાથે રાખવી. આટલું ન કરવું. દિવસે ૧૧ વાગ્‍યા થી ૩ વાગ્‍યા સુધી બહાર ન નીકળવું. ડાર્ક કલર કે જાડા કપડા પહેરવાનું ટાળો. તડકામાં રાખેલ વાહનોમાં નાના બાળકો તેમજ પાળેલા જાનવરોને ન રાખવા. રસોઈ બનાવતી સમયે ઘરના દરવાજા અને બારીઓ ખુલ્‍લા રાખવા જેથી હવાની અવરજવર થઈ શકે. નસીલા પદાર્થ શરાબ તથા આલ્‍કોહોલના સેવનથી દૂર રહો. વધારે પ્રોટીનવાળા ખોરાક ન ખાવા. ગરમી દરમ્‍યાન બને ત્‍યા સુધી ભુખ્‍યા ન રહેવું તેમજ પેટ ભરીને પણ ન ખાવું, ખુબ પાકી ગયેલા કે કાપેલા સડેલા ફળોનો ખાવામાં ઉપયોગ ન કરવો. બજારમાં મળતા ખુલ્‍લા વાસી કે બીન આરોગ્‍યપ્રદ માવાની મીઠાઈનો ઉપયોગ ટાળવો, ખુલ્‍લામાં વેંચાતા અખાધ પદાર્થો જેવા કે બરફ, કુલ્‍ફી, ગોલા, ઠંડા પીણા વગેરેનો ઉપયોગ ટાળવો, કલોરીનેશન વિનાનું પાણી પીવાનું ટાળવું. છતાંએ ગરમીના લીધે કોઈ પણ જાતને શારીરિક તકલીફ જણાય તો નજીકના સરકારી દવાખાનાઓ, હોસ્‍પીટલનો તાત્‍કાલિક સંપર્ક કરી સારવાર મેળવવા જનહિતાર્થે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી જિલ્‍લા પંચાયત કચ્‍છ-ભુજ દ્વારા અપીલ કરાઇ છે.

Get real time updates directly on you device, subscribe now.