નાની બાળકી પર દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારવાનું કૃત્ય આચરનારાઓને જાહેરમાં ફાંસીના માચડે ચડાવવાની માંગ સાથે અંજારમાં કેન્ડલ માર્ચ
અંજાર : આજે સાંજે ઇતેહાદુલ મુસ્લિમીન-એ-હિન્દ સંસ્થા દ્વારા તાજેતરમાં ઉનાવ, કઠુઆ અને સુરતમાં બનેલ દુષ્કર્મની ઘટનાઓના ગુનેગારોને જાહેરમાં ફાંસીના માચડે ચડાવવાની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. સંસ્થાની યાદીમાં જણાવાયું છે કે આ ઘટનાઓ પૈકી કઠુઆ અને સુરતના બનાવમાં નાની બાળકીઓ પર સામુહિક દુષ્કર્મ કરી અને મોતને ઘાટ ઉતારવાનું કૃત્ય આચરવામાં આવ્યું તે સૈતાની કૃત્યોને સરમાવે તેવું છે. તાત્કાલિક આ કેસોની સુનવણી કરી અને આવું કૃત્ય આચરનાર રાક્ષસોને જાહેરમાં ફાંસીના માચડે ચડાવવા માંગ કરી છે.
આ કેન્ડલ માર્ચમાં મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે આવા બનાવોથી ભારતની છબી વિશ્વ કક્ષાએ ખરડાઈ છે અને આવા કૃત્ય કરનાર આરોપીને કેન્દ્ર સરકારમાં બેઠેલા લોકોએ છાવરવાની કોશિશ કરી છે તેઓની પણ આ ગુનામાં જવાબદારી ફિક્સ કરવી જોઈએ. આ માર્ચમાં ઉપસ્થિત માનવતા ગૃપના ગોવિંદ દનીચાએ આવા ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવા માંગ કરી હતી. આ ઘટનાને ક્ષત્રિય સમાજના અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાએ સખત શબ્દોમાં વખોડી હતી. આ કેન્ડલ માર્ચમાં મામદ આગરિયા, નુરમામદ રાયમાં, શાહનવાઝ શેખ, હુશેન આગરિયા, શકુર માંજોઠી, મૌલાના આબેદુજાના, મૌલાના શરીફ, સુલેમાન મંધરા, ડો . ઇસ્માઇલ બાયડ, યાકુબ મન્સુરી, સુલતાન માંજોઠી, રોશનઅલી સાંધાણી, અમીરમીયા સૈયદ, કરશન રબારી તેમજ જમીઅત ઉલ્માએ હિન્દ, રાયમા યુથ સર્કલ અને યુવા મુસ્લિમ સમાજ વગેરે સંસ્થાઓ જોડાઈ હતી તેવું સંસ્થાના પ્રમુખ મામદ આગરિયાની યાદીમાં જણાવાયું છે.