જખૌ મધ્યે આવેલ આર્ચીયન કંપની અને ભારત સોલ્ટ કંપનીની જમીનની લીઝ રદ કરવા મુખ્યમંત્રી સમક્ષ ધા નખાઇ

1,013

અબડાસા : સરહદી કચ્છ જીલ્લામાં અબડાસા તાલુકાના જખૌ ગામે આવેલ આર્ચીયન કેમીકલ અને ભારત સોલ્ટ રિફાઇનરી કંપની દ્વારા સરકાર દ્વારા આપેલ જમીનની શરત ભંગ કરાતી હોવાથી લીઝ રદ કરવા એનવાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ લિયાકતઅલી નોતિયાર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ ધા નાખવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું છે કે આ બંને કંપનીઓ દ્વારા જખૌ દરીયાઇ વિસ્તારમાં આવેલ ચેરીયાના વૃક્ષોનું મોટા પ્રમાણમાં નિકંદન કરેલ છે. મીઠા માટે આડેધડ પાળા બનાવવામાં આવતા ચેરીયાના વૃક્ષોને નુકશાન થયેલ છે. કંપની દ્વારા મીઠાયુકત કેમીકલ વાળું પાણી દરિયામાં છોડવામાં આવતા અહીંના માછીમારી વ્યવસાયને મોટું નુકશાન થયેલ છે. અહીંના વિસ્તારમાં ઝીંગા માછલીઓ મોટા પ્રમાણમાં મળતી જે આ કંપનીઓના કારણે લુપ્ત થઈ ગઈ છે. જખૌ ગામની પશ્ચિમ બાજુએ આવેલ ગૌચર જમીન માંથી કંપનીએ કોઇ પણ જાતની મંજુરી લીધા વગર ગેરકાયદેસર રસ્તો બનાવેલ છે. તેના પરથી મીઠાના વાહનો પસાર થતા આ જમીન ખારી થઈ ગઈ છે. જેમાં ઘાંસ ઉગતો નથી જેથી પશુધન અને જીવસૃષ્ટિ પર મોટી અસર થઈ છે. તેમજ ગાયોનું ચરિયાણ ખતમ થઈ ગયેલ છે. જમીન ભાડાપટે આપતા પહેલા સરકારે કંપની સાથે સાથે જે કરાર કરેલ તેમાં શરત મુજબ સોલ્ટ વર્કસની જમીન અને પંચાયતની જમીન વચ્ચે મીઠાની ખારાસ વધે નહી તે માટે 500 ફુટની લાંબી બફરસ્ટીપ બનાવવાની હતી જે કંપનીએ બનાવેલ નથી. કંપનીને સોલ્ટ વર્કસની ફરતે પાકા સ્લેબ વાળી ટ્રેપ ઝોડીયલ ટ્રેન્ચ બનાવવાની હતી બનાવી નથી.

કંપની દ્વારા આડેધડ પાળા બાંધેલ છે. ખારાશના વધતાં જતાં પ્રમાણના કારણે જખૌ, દરાડવાંઢ અને આશીયાવાંઢનું ઘાસચારા વાળું ચરિયાણ વિસ્તાર ખતમ થઈ ગયું છે. કંપનીએ પોતાની જમીનમાં મીઠાના પાળા સિમેન્ટથી કવર કરેલ નથી જેથી પંચાયતની જમીન ખારાશવાળી બની ગયેલ છે. એનવાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટે અહીંના વિસ્તારમાં કંપની દ્વારા થતી પર્યાવરણીય અસર પર સર્વે કરાવવામાં આવેલ એ રીપોર્ટ મુજબ જખૌ પાસે આવેલ આશીરાવાંઢ પાસેના વિસ્તારમાં હુબારા બસટાર્ડ ‘તિલોર’ નામના મહત્વના પક્ષીની વસાહત હેબીટેડ વિસ્તારમાં આવેલ છે. જયાં મીઠાની અવર જવર ના કારણે આ મહત્વના પક્ષીનું અસ્તિત્વ ખતરામાં છે. ઘોરાડ પક્ષીના પવનચક્કી/ પાવર લાઇનના કારણે મોત થઈ ચુકયા છે ત્યારે હવે હુબારા બસ્ટાર્ડ પક્ષી પણ સંકટમાં છે. દર વર્ષે આવતા કુંજ પક્ષીઓની સંખ્યામાં પણ આ પ્રદૂષણના કારણે સતત ઘટાડો થઈ રહયું છે. આમ કંપનીના પ્રદૂષણના કારણે પર્યાવરણ અને જીવસૃષ્ટિને ખુબજ નુકશાન થઈ રહ્યો હોવા છતા કંપની પોતાની મનમાની ચલાવી રહી છે. માટે વહેલી તકે વન્ય જીવ, ગ્રામજનો તેમજ માછીમારો ના હીતમાં નિર્ણય લેવામાં આવે અને પર્યાવરણને નુકશાન કરનાર તેમજ સરકાર દ્વારા જમીન મંજુર કરવા સમયે રાખવામાં આવેલ શરતોનું ભંગ કરનાર કંપની વિરૂદ્ધ પગલા ભરી તેની લીઝ રદ કરવા સંસ્થાના પ્રમુખે રજુઆતમાં જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.