2001 નું નોટિફિકેશન સ્મૃતિ વનમાંથી ‘કમાવી’ લેવાના નેતાઓના સપના રોળશે..!

376

ભુજ : ભુજીયા ડુંગર પર સ્મૃતિ વનની કામગીરી જોતા કેટલાક મોટા માથાઓ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને જોતા આજુબાજુની ખરાબાની જમીન પર ડોળો માંડી રહ્યા છે. પરંતુ ભુજીયાની આસપાસની જમીન માત્ર ભૂકંપ ગ્રસ્તો અને સરકારી હેતુ માટે જ રક્ષિત હોવાનું જાહેરનામું 2001 માં જ બહાર પડી ગયું હોવાનું જાણકારો કહી રહ્યા છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ ભુજીયાની આસપાસ લાખો સ્કવેર મીટર સરકારી ખરાબાની જમીનનો ઉપયોગ ભૂકંપ ગ્રસ્તોના પુનઃવસન માટે કરવાનો નિર્ણય લેવાયો હતો જે અંતર્ગત રિલોકેશન સાઇટ ઉભી કરાઈ પરંતુ

આ સિવાય ભુજીયાની ફરતે બચેલી વધારાની સરકારી જમીનનો ઉપયોગ માત્ર સરકારી હેતુ માટે જ થઈ શકશે તેવા નોટિફિકેશનની વાત સામે આવતા સ્મૃતિ વનની ભાવિ ભીડમાંથી કમાવી લેવા તલપાપડ થયેલા વિવિધ હેતુઓ માટે જમીન હસ્તગત કરી બાદમાં સરકાર પાસે માંગણીની ફાઇલ મૂકવાના સપના સેવતા નેતાઓમાં નિરાશા ફેલાઇ છે. ભુજ નગરપાલિકા, માધાપર તેમજ અન્ય જીલ્લા કક્ષાના કેટલાક નેતાઓ સ્મૃતિ વનની આસપાસ વ્યવસાયિક રીતે ‘સેટ’ થવા અત્યારથી જ ભેજુ કસી રહ્યા છે. પરંતુ 2001 ના નોટિફિકેશન મુજબ તંત્ર કાર્યવાહી કરે તો આ વિસ્તારમાં ખડકાયેલા લારી-ગલ્લા, સાર્વજનિક ઓટલા, વૃક્ષારોપણના નામે ખાનગી વાડા વગેરે દૂર કરવાની ફરજ પડશે. સ્મૃતિ વનની આડે દબાણના ગ્રહણ અત્યારથી જ લાગુ થઈ રહ્યા છે ત્યારે તંત્ર સર્વે કરીને વ્યવસાયિક હેતુ માટે સરકારી જમીનના ધણી થઈ બેઠેલા તત્વોને ખુલ્લા પાડે તે સમયની માંગ છે.

Get real time updates directly on you device, subscribe now.