ખાવડા હોસ્પિટલમાં ફરજ પર બજાવતા ડો. દંપતીની બદલી નહીં થાય તો કરાશે ઉગ્ર આંદોલન

877

ભુજ : આજે કચ્છ જીલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રફીક મારાની આગેવાનીમાં ખાવડા CHC માં ફરજ બજાવતા ડો. દંપતીની બદલી કરવાની માંગ સાથે જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો. આવેદનપત્રમાં જણાવાયુ છે કે 50 હજાર જેટલી બહોળી વસતી ધરાવતા બન્ની પચ્છમ વિસ્તારમાં રોજબરોજનું કમાઈ ને ખાતા ગરીબ પરિવારો વસવાટ કરે છે. આવા ગરીબ પરિવારના સભ્યો બીમાર થાય તો તેમની આર્થિક પરિસ્થિતિના કારણે સરકારી હોસ્પિટલનો આસરો લેવો પડે છે. પરંતુ ખાવડાની સરકારી હોસ્પિટલ છેલ્લા 4-5 વર્ષથી શોભાના ગાંઠીયા સમાન બની ગઈ છે. 4 વર્ષ પહેલા આ હોસ્પિટલમાં એક લેડીઝ ડો. નુપુરકુમારી પ્રસાદ અને તેમના પતિ માનદજી પ્રસાદ આવતાં આ હોસ્પિટલને પ્રાઇવેટ હોસ્પિટલ બનાવી દીધી છે. અગાઉ સારી સેવા આપનાર મદદનીશ ડો. સુધાકર રજક હતા. પરંતુ પૈસાના લાલચુ આ ડો. દંપતીએ તેમને ખોટી રીતે કનડગત કરી બદલી કરાવા મજબુર કરેલ.

આ ડો. દંપતી વિરૂદ્ધ ગરીબ લોકો સાથે ગેરવર્તન કરવું, લોકોને ખોટી રીતે કનડગત કરવાના અનેક બનાવો લોકો દ્વારા જાણવા મળતા આ રજૂઆત કરી રહ્યા છીએં તેવું આવેદનમાં જણાવાયું છે. તેમજ આ ડો. વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપો પણ RTI દ્વારા પ્રકાશમાં આવ્યા છે. લાખો રૂ. ની ગ્રાન્ટ આ ડો. દંપતીએ ચાઉ કરી છે. પરંતુ ડો. ની વગ ઉપર સુધી હોવાથી આ કૌભાંડને દબાવવામાં આવી રહયો છે. આ બાબતે જીલ્લા કક્ષાએ અનેક રજૂઆતો છતા કોઇ કાર્યવાહી ન થતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા રાજકોટથી ટીમ તપાસ માટે આવી હતી. આ ટીમને હોસ્પિટલના સ્ટાફે પણ ડો. વિરૂદ્ધ નિવેદન આપ્યા પણ ડો. આ ટીમ સાથે સાંઠગાંઠ કરી પીકનીક માટે લઇ જઇ તપાસને દબાવી દીધેલ. આ બાબતે દિવસ 15માં યોગ્ય કાર્યવાહી ન થાય તો હોસ્પિટલને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી રફીક મારાએ ઉચ્ચારી છે. આ રજૂઆતમાં રફીક મારા સાથે જીલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે.હુંબલ, જીલ્લા પંચાયત સદસ્યો રશીદ સમા, હઠુભા સોઢા, તા.પં. સદસ્ય નુરમામદ સમા તેમજ વિસ્તારના સરપંચો હાજર રહયા હતા.

Get real time updates directly on you device, subscribe now.