શું પ્રદુષણ નિયંત્રણ બોર્ડની આશાપુરા કંપની સાથે સાંઠગાંઠ છે ? : જાગૃતોનો સવાલ

319

ભુજ : પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાલુકાના લેર ગામે આવેલ આશાપુરા કંપની પર પ્રદુષણ બાબતે થતી ફરિયાદમાં કોઇ કાર્યવાહી થતી નથી. પ્રદુષણ બોર્ડ જાણે કંપનીની ‘ઘરની ધોરાજી’ હોય તેવું જાગૃતોમાં ચર્ચાઇ રહ્યું છે. આ કંપની પર્યાવરણનો સોથ વાળી રહી હોવાની અનેક ફરિયાદો જાગૃત નાગરિકો તથા આસપાસના ખેડૂતો દ્વારા પ્રદુષણ બોર્ડ સમક્ષ કરવામાં આવી છે. આ ફરિયાદો ઉઠતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કંપની વિરૂદ્ધ નોટીસો ઇશ્યુ કરવામાં આવે છે પણ આ નોટિસોની અમલવારી થતી નથી તેવા આક્ષેપો જાગૃતો દ્વારા થઈ રહ્યા છે. આ બાબતે પણ અમુક જાગૃત લોકોએ અવાજ ઉઠાવ્યો છે કે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આશાપુરા કંપનીને જે નોટિસો કરવામાં આવી છે તેનો ચુસ્ત અમલ થતો નથી

તેમજ આસપાસના ખેડૂતોએ કંપની દ્વારા પાકને નુકશાન થતો હવાની ફરિયાદો કરેલ તેને ધ્યાને લેવાતી નથી. કંપનીમાંથી ઉડતી ડસ્ટ ના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બાબતે જીલ્લા આરોગ્ય તંત્રએ પણ કંપનીને લેટર દ્વારા ચેતવણી અપી હોવા છતાં લોકોના આરોગ્ય સાથે જોડાયેલ આ સમસ્યાને ધ્યાને લીધા વગર કંપની લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહી છે. આ તમામ બાબતે જાગૃત નાગરિક દ્વારા તંત્ર સમક્ષ ફરિયાદ કરવા છતાં જીલ્લાના કલેકટર કે પ્રદુષણ બોર્ડની કક્ષાએથી કોઈ પ્રતિક્રિયા મળી નહી જયારે ગાંધીનગર સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર ફકત કાગળ પર જ ‘અમે આ બાબતે કાર્યવાહી કરેલ છે’ તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે આ પ્રકારના વહીવટ પાછળ શું પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કંપની સાથે સાંઠગાંઠ કારણભૂત છે ? તેવો પ્રશ્ન જાગૃતોના મનમાં ઉદભવી રહ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.