સોશ્યલ મીડિયા પર કમ્યુનલ મેસેજ વિરુદ્ધ ચૂંટણીપંચનો એક્શન પ્લાન : કચ્છમાં અમલ થશે ?

228

ભુજ : વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કેટલાક લોકો રાજકીય પીઠબળના જોરે જાતજાતની અફવાઓ અને વૈમનશ્ય ફેલાવતા મેસેજો વાયરલ કરીને પોતાની તરફેણમાં માહોલ બનાવી રહ્યા છે. કચ્છમાં ફરજ બજાવી ગયેલા કચ્છના પૂર્વ કલેક્ટર મહેન્દ્ર પટેલે ચૂંટણીલક્ષી ખોટી અફવાઓ અંગે ગાંધીનગર કક્ષાએ રિપોર્ટ કરતા ચૂંટણી પંચે ચૂંટણીમાં લાભ ઉઠાવવા કરાતા જાતિવાદી અને કોમવાદી વિચારસરણીના મેસેજો વાયરલ કરનાર ઈસમોની માહિતી એકઠી કરી એનાલિસિસ શરૂ કર્યું છે અને સમાજ-સમાજ વચ્ચે નફરત ફેલાવતા મેસેજો વાયરલ કરનાર લોકો સામે કાર્યવાહી કરવા એકશન પ્લાન ઘડી કાઢ્યો છે.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સોશ્યલ મીડિયા પર લગામ કસવા ચૂંટણી પંચે આઇટી એક્ટ – 2000 ની અમલવારી સખત રીતે કરવા તૈયારીઓ કરી લીધી છે.

ચૂંટણીમાં પરોક્ષ રીતે પોતાની વિચારસરણી ધરાવતા પક્ષોને ફાયદો કરાવવા સવારથી સાંજ સુધી વોટ્સએપ, ફેસબુક તેમજ ટ્વિટર જેવી સોશ્યલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ વાયરલ કરી રહ્યા છે. ચૂંટણી પંચ આવા યુઝર્સ પર બાઝ નજર રાખી રહ્યું છે. સામાજિક અપમાન અથવા સેન્સેટિવ પોસ્ટ કરનાર તેમજ તેને ફોરવર્ડ કરનાર સામે ચૂંટણી પંચ કાર્યવાહી કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર પટેલ કચ્છમાં પણ કલેક્ટર તરીકે ફરજ બજાવી ગયા છે. તેમના કાર્યકાળ દરમ્યાન કચ્છમાં સોશ્યલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણીઓને લઈને કચ્છમાં તંગદિલી ફેલાઈ હતી ત્યારે કાયદો વ્યવસ્થા તેમણે કુનેહ પૂર્વક જાળવી હતી. કચ્છના પૂર્વ કલેક્ટરે કદાચ કચ્છમાં જ થયેલા તેમના જાત અનુભવના આધારે ગાંધીનગર કક્ષાએ ધ્યાન દોર્યું હોય પરંતુ સવામણ નો સવાલએ છે કે કચ્છમાં ચૂંટણી પંચના આ એક્શન પ્લાન પર પોલીસ અને સ્થાનિક તંત્ર અમલવારી કરશે? એતો સમયજ બતાવશે.

Get real time updates directly on you device, subscribe now.